૨૪કલાકમાં વધુ બે વૃદ્ધના મોત ઃ ચાર દિવસમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા
સન સ્ટ્રોકના કારણે ચાર દિવસમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ૩૦ કોલ આવ્યા
વડોદરા,સતત પડતી ગરમીમાં ૭૩ વર્ષના વૃદ્ધ અને ૬૦ વર્ષની વૃદ્ધાના મોત થયા છે. છેલ્લા ચાર દિવસમાં ગરમીમાં ગભરામણ, ચક્કર તથા છાતીના દુખાવાની ફરિયાદ સાથે દાખલ થયેલા ૧૫ દર્દીઓના મોત થયા છે. છેલ્લા ચાર દિવસમાં સન સ્ટ્રોકના કારણે બીમાર થતા દર્દીઓને હોસ્પિટલમાં લઇ જવા માટેના ૩૦ કોલ ૧૦૮ ને આવ્યા છે.
દંતેશ્વર વચલા ફળિયામાં રહેતા ૭૩ વર્ષના મેમબહાદુર વાલસીંગભાઇ સાર્કીને આજે સવારે સાડા છ વાગ્યે ઘરે ગભરામણ થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.
જ્યારે અન્ય એક બનાવમાં ૬૦ વર્ષના ગીતાબેન ચીમનભાઇ વાઘેલાને પ્લેટફોર્મ નંબર - ૪ પરથી બીમાર હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને છાતીમાં દુખાવો તથા ચક્કર આવતા હતા. આજે સવારે તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે, વધતી જતી ગરમીના કારણે થતા સન સ્ટ્રોક સહિતની બીમારી માટે તમામ સરકારી હોસ્પિટલમાં મોડા સુધી ઓ.પી.ડી. ચાલુ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ગરમી અને હિટ વેવના કારણે છેલ્લા ૨૦ દિવસમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ૮૦ થી વધુ કોલ મળ્યા છે. જે પૈકી ૩૦ કોલ છેલ્લા ચાર દિવસમાં જ મળ્યા છે. છેલ્લા ચાર દિવસમાં હિટ વેવમાં ચક્કર આવવા, માથાનો દુખાવો, ઝાડા ઉલટી તથા ડિહાઇડ્રેશનનના કેસમાં વધારો થયો છે.
સામાન્ય દિવસોમાં દિવસ દરમિયાન રહેતું ૩૪ ડિગ્રી તાપમાન હાલમાં રાતે હોય છે.દિવસ દરમિયાન સતત પાંચ દિવસથી ગરમીનો પારો ૪૪ ડિગ્રીને લગોલગ રહે છે. જેના કારણે સન સ્ટ્રોકના કિસ્સાઓમાં વધારો થયો છે.