Get The App

આકાશમાંથી અગન ગોળા વરસાવતી ગરમીમાં હાર્ટ એટેકમાં વધુ બે ના મોત

બે દિવસમાં નવ લોકોના મોત : ગરમીના કારણે ઝાડા ઉલટીના થતા બે દર્દીઓ સયાજીમાં દાખલ

Updated: May 19th, 2024


Google NewsGoogle News
આકાશમાંથી અગન ગોળા વરસાવતી ગરમીમાં હાર્ટ એટેકમાં વધુ બે ના મોત 1 - image

વડોદરા,ઉનાળાની વધતી જતી ગરમીમાં વધુ બે યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે. જ્યારે બે વ્યક્તિઓને ઝાડા ઉલટી થઇ જતા તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બે દિવસમાં નવ લોકોના હાર્ટ એેટેકથી મોત થયા છે.

તરસાલી વિશાલ નગરમાં રહેતો ૩૨ વર્ષનો સંજય નરસિંહભાઇ સોલંકી આજે સવારે તેના ઓળખીતા ચેતનાબેનના ઘરે તરસાલી રાઠોડ વાસમાં ગયો હતો. બપોરે બે વાગ્યાની આસપાસ તેને અચાનક ગભરામણ થતા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

રાજમહેલ રોડ પર રહેતા ૪૯ વર્ષના માનસિક બીમાર આધેડ ગઇકાલે સાંજે પરિવારના સભ્ય સાથે ખંડેરાવ માર્કેટ ગયા હતા.ત્યાંથી  પરત આવવા માટે રિક્ષામાં બેસવા જતા સમયે અચાનક તે બેભાન થઇ જતા તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.

સલાટવાડા બિલેશ્વર મહાદેવ મંદિર પાસે બિલ્ડિંગમાં રહેતા ૫૩ વર્ષના રાજન વસંતરાવ મોહિતે ઝાડા થઇ જતા તબિયત બગડતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. જ્યારે અન્ય એક બનાવમાં રાવપુરામાં રહેતા ૬૪ વર્ષના સંતોષ મુરલીભાઇ રઘુવંશીને ઝાડા થઇ જતા તેમજ પગે સોજા આવી જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ગરમીનો  પ્રકોપ વધવા છતાંય સરકારી દવાખાનાઓમાં રવિવારની રજા

વડોદરા,સમગ્ર રાજ્યમાં જ્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સરકારી દવાખાના ચાલુ રાખવાના બદલે આજે રવિવારની રજા પાડવામાં આવી છે. ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ગભરામણ અને ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે. તેવા સમયે અર્બન સેન્ટર પણ બંધ રહ્યા હતા.


Google NewsGoogle News