વિદેશ મોકલવાના નામે ઠગાઇ કરનાર પિતા-પુત્ર સામે ફરિયાદોનો સિલસિલોઃપૂછપરછ માટે જેલમાંથી લવાશે
વડોદરાઃ વિદેશ મોકલવાના નામે ઠગાઇ કરનાર પિતા-પુત્ર સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનો સિલસિલો જારી રહ્યો છે.જેમાં વિદેશમાં વર્ક પરમિટના નામે બે યુવકો પાસે રૃ.૭.૨૦ લાખ ખંખેરી લેતાં બંને સામે જુદાજુદા બે ગુના નોંધાતા ફતેગંજમાં ૯ થી વધુ ફરિયાદ થઇ છે.
નિઝામપુરા ડિલક્ષ ચાર રસ્તા પાસે કૃણાલ કોમ્પ્લેક્સમાં સાંઇ કન્સલટન્સીના નામે સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટના નામે ૯૦ થી વધુ યુવક-યુવતીઓ પાસે રૃ.પ કરોડ જેટલી રકમ ખંખેરી લેનારા રાજેન્દ્ર મનહરલાલ શાહ અને તેના પુત્ર રીંકેશ શાહ(ક્રિષ્ણ એરવિંગ, હરણી સમા લિન્ક રોડ) એ ઓફિસને તાળાં મારી દેતાં ફસાયેલા લોકો ફરિયાદો કરી રહ્યા છે.
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બંને ઠગ સામે નોંધાયેલી વધુ બે ફરિયાદમાં વડોદરાના દશરથ ગામે રહેતા ધુ્રવિત જોષીએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે,મારે કેેનેડા જવું હોવાથી પિતા-પુત્રનો સંપર્ક કર્યો હતો.તેમણે મને રૃ.૧૦ લાખમાં કેનેડા મોકલશે તેમ કહી રૃ.૪.૨૦ લાખ લીધા હતા.પરંતુ ત્યારબાદ તેમણે મને વિદેશ મોકલ્યો નથી અને રૃપિયા પણ પરત કર્યા નથી.
આવી જ રીતે આણંદના વઘાસી ખાતે રહેતા વેપારી ભૂમિત સિધ્ધપરાએ કહ્યું છે કે,વર્ષ-૨૦૨૨માં મારે પોલેન્ડ જવું હોવાથી ઠગ પિતા-પુત્રએ રૃ.૫ લાખમાં પોલેન્ડ મોકલી નોકરી અપાવવાની ખાતરી આપી લખાણ પણ કર્યું હતું.પહેલાં મારી પાસે રૃ.૩ લાખ લીધા હતા અને બાકીની રકમ પોલેન્ડ ગયા પછી આપવાની હતી.પરંતુ મને વિદેશ મોકલ્યો નથી કે રૃપિયા પણ પરત કર્યા નથી.જેથી ફતેગંજ પોલીસે વધુ બે ગુના નોંધ્યા છે.
રૃ.૫ કરોડ ઉધરાવી લીધા પછી પણ બંને ને ધરમશાળામાં રહેવું પડયું
રૃપિયા ક્યાં પગ કરી ગયા તેનો જવાબ નથી,બેન્ક બેલેન્સ પણ નથી
વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરનાર પિતા-પુત્રની જોડીએ રૃ.૫કરોડ જેટલી રકમનું શું કર્યું તેની પોલીસને માહિતી મળતી નથી.
ફતેગંજના પીઆઇ વી કે દેસાઇએ કહ્યું હતું કે,બંને પિતા-પુત્રએ રૃ.પાંચ કરોડ જેટલી રકમ ઉઘરાવી લીધી હતી.જેથી તેમની પાસે રૃપિયા માંગવા માટે લોકો આવતા હતા.બંને જણાને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતાં તેમણે થોડો સમય અમદાવાદમાં ધરમશાળામાં આશરો લીધો હોવાની અને ત્યારબાદ ભાડેથી ફ્લેટ લીધો હોવાની માહિતી ખૂલી હતી.
બંનેના બેન્ક બેલેન્સમાં પણ કોઇ ખાસ રકમ રહી નથી.જેથી ઉઘરાવેલી રકમ ક્યાં પગ કરી ગઇ તેની તપાસ કરવામાં આવી રહી છે.
ફતેગંજ ઉપરાંત જવાહરનગર,ગોત્રી અને ગોરવામાં પણ બંને ઠગ સામે ગુના
સાંઇ કન્સલટન્સીના પિતા-પુત્ર સામે હજી પણ ફરિયાદોની સંખ્યા વધે તેવી શક્યતા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,રાજેન્દ્ર અને રીંકેશ સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ૯ ફરિયાદ નોંધાઇ છે.આ ઉપરાંત તેની સામે જવાહરનગર,ગોત્રી અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયા છે.
હજી પણ તેમના માટે લોકો પૂછપરછ કરી રહ્યા છે.જેથી બંને જણા સામે ફરિયાદ નોંધાવાની શક્યતા વધે તેમ જણાય છે.