ગાંધીનગરના ગ્રામ્યવિસ્તારમાંથી કોલેરાના વધુ બે દર્દી મળી આવ્યાં
પાણીજન્ય રોગના કેસ ચિંતાજનરીતે વધ્યા
ગાંધીનગર તાલુકાના સોનીપુર અને કલોલના ઓળામાં એક-એક કેસ : બહારનો ખોરાક ખાધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ
સમગ્ર ગુજરાતમાં ઉનાળા દરમ્યાન અને ત્યાર બાદ પણ કોલેરાના કેસ
ખાસ મળી આવ્યા છે. ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં પણ કોલેરાએ માથું
ઉચક્યું હતું. પાટનગરના પેથાપુર,
વાવોલ, સે-૨૦,સે-૧૩ ઉપરાંત કલોલ-દહેગામના
ગ્રામ્યવિસ્તારમાં કોલેરાના કેસ વધુ જોવા મળ્યા છે. ગામોમાં પાણી લીકેજ થવાને કારણે
ગામમાંથી છુટાછવાયા કોલેરાના કેસ સામે આવ્યા છે. જો કે, સમયસર સઘન સારવાર
મળી રહેવાને કારણે આ વખતે કોલેરાનો આ રોગચાળો જીવલેણ સાબીત થયો નથી. આવી સ્થિતિ વચ્ચે
ગાંધીનગર જિલ્લામાંથી કોલેરાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
ગાંધીનગર તાલુકાના સોનીપુરમાં રહેતા ૩૫ વર્ષિય પુરુષનો
રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ અંગે આ દર્દી પાસેથી મળેલી માહિતી પ્રમાણે, દર્દી સોમવારે
મીનાવાડા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખથે મંગળવારે બહારનું ભોજન કર્યું હતું
ત્યાર બાદ તેમને ઝાડા ઉલ્ટીની અસર થઇ હતી. જેથી તેમને રૃપાલમાંથી દવા લીધા બાદ
દર્દીને ગાંધીનગર સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.તો બીજીબાજુ
કલોલના ઓળા ગામમાં મજુરી કામ કરતા ૨૦ વર્ષિય યુવાન કે જે ગામથી દૂર ખેતરોમાં રહે
છે અને ત્યાં બોરનું પાણી જ પીવે છે તેને પણ બહારનો ખોરાક ખાધા બાદ ઝાડા ઉલ્ટી થઇ
ગયા હતા જેથી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.