તાંદલજામાં મોપેડની ડીકીમાંથી રોકડા બે લાખની ચોરી
નવી બંધાતી સાઇટની ઓફિસમાં ફ્લેટની પૂછપરછ કરવા ગયેલા વેપારીના રૃપિયા ચોરાયા
વડોદરા,તાંદલજામાં મોપેડ પાર્ક કરીને નવા બંધાતા ફ્લેટની ઓફિસમાં ગયેલા વેપારીના મોપેડની ડીકીમાંથી બે ચોર રોકડા બે લાખ ચોરી ગયા હતા. જે અંગે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આજવા રોડ પાણીની ટાંકી પાસે વિનસ એવન્યુમાં રહેતા ઉશામાભાઇ રિયાઝભાઇ મેમણ બિલ્ડિંગ મટિરિયલનો વેપાર કરે છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૮ મી જુલાઇએ સાંજે છ વાગ્યે હું મોપેડની ડીકીમાં ધંધાના બે લાખ મૂકી તાંદલજા વિસ્તારમાં આવેલા અમજદ પાર્કમાં રહેતા સાદીકભાઇને આપવા માટે નીકળ્યો હતો. તાંદલજા પત્રકાર ચાર રસ્તા પાસે આવેલી રોયલ આર્કેડ નામની નવી બંધાતી સાઇટ પર પહોંચીને મોપેડ બહાર ફૂટપાથ પર પાર્ક કરીને ફ્લેટની ઇન્કવાયરી કરવા માટે ઓફિસમાં ગયો હતો. ત્યાં ફ્લેટની પૂછપરછ કરી નીકળી અમજદ પાર્ક ગયો હતો. ત્યાં જઇને મેં મોપેડની ડીકી ખોલીને જોતા તેમાં મૂકેલા બે લાખ રોકડા ગાયબ હતા. જેથી, હું તરત રોયલ આર્કેડની ઓફિસે ગયો હતો. ત્યાં જઇને કેમેરા ચેક કરતા બે અજાણ્યા લોકો મોપેડની ડીકીમાંથી રોકડા બે લાખ ચોરી જતા દેખાયા હતા. ત્યારબાદ હું પરિવાર સાથે આંધ્રપ્રદેશ ગયો હોવાથી હાલમાં ફરિયાદ કરવા આવ્યો છું.