શેર માર્કેટમાં રોકાણના બહાને છેતરપિંડી કરતા એન્જિનિયર સહિત બે ઝડપાયા
આરોપીઓએ ખોલાવેલા ૧૦ થી વધુ એકાઉન્ટમાં ૭ કરોડના નાણાંકીય વ્યવહારો : ૧૯ રાજ્યોમાં ૧૫૦ થી વધુ ફરિયાદ
વડોદરા,શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટ પ્રશાંત માથનને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાની સ્કીમમાં ફસાવી
છેતરપિંડી કરતા બે ભેજાબાજોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવી વધુ
તપાસ હાથ ધરી છે.
તરસાલી નોવિનો રોડ પર રવિ પાર્કમાં રહેતા
પ્રશાંત ધનંજય માથને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું
હતું કે,ગઇ તા.૧૨મી એપ્રિલે
મારા ફેસબુક પર શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી સારું વળતર મેળવવાની જાહેરાત
આવતાં મેં લિન્ક ક્લીક કરી હતી.જેથી મને વોટ્સએપ ગુ્રપમાં સામેલ કરવામાં આવ્યો
હતો.મેં ૧૫ દિવસ સુધી ડેમો જોયો હતો અને
ત્યારબાદ મને ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે તેવો મેસેજ કરતાં મને એક લિન્ક
મોકલવામાં આવી હતી.જેમાં મેં રજિસ્ટ્રેશન કરાવતા મારા ખાતામાં ૧૦ હજારનું બોનસ જમા
થયેલું દેખાતું હતું.
ત્યારબાદ મારી પાસે જુદા - જુદા આઇપીઓ
ભરાવવામાં આવ્યા હતા.મેં ખાત્રી કરવા માટે
રકમ ઉપાડતા ૧.૪૩ લાખ મારા ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જેથી, મને વિશ્વાસ આવતા મેં ૧૦.૬૭ લાખ ભર્યા
હતા.મારી બાકી નીકળતી ૯.૨૪ લાખની રકમ
સામે ૩૫.૮૬ લાખનો પ્રોફિટ દેખાતો
હતો.પરંતુ, બીજી રકમ ઉપાડવા જતાં રકમ મળી નહતી અને મને માહિતી ખોટી ભરી છે. તેમ કહી
બે લાખની માંગણી કરવામાં આવી હતી. તપાસ
દરમિયાન પી.આઇ. બી.એન. પટેલ અને સ્ટાફે (૧) અહેમદરઝા દરોગા તથા (૨) અબ્દુલ
રહેમાનભાઇ શેખ ( બંને રહે. વાડી) ને ઝડપી પાડી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ
મેળવ્યા છે. અહેમદ રઝા મિકેનિકલ એન્જિનિયર છે અને કાફે ચલાવે છે. જ્યારે અબ્દુલ
ધો.૧૨ પાસ છે.
આરોપીઓ બેન્ક એકાઉન્ટની તમામ પ્રક્રિયા
કરી તેની કીટ બનાવી સીમ કાર્ડ સાથે સહ
આરોપીઓેને આપી દેતા હતા. જેના પેટે તેઓ કમિશન લેતા હતા. આ રીતે તેઓએ ૧૦ થી વધુ
બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ બેંક ખાતાઓમાં ૭ કરોડથી વધુના વ્યવહારો થયા છે. આરોપીઓએ ખોલાવેલા બેન્ક એકાઉન્ટમાં
નેશનલ પોર્ટલ પર ૧૯ રાજ્યોમાં ૧૫૦ થી વધુ
ફરિયાદો થઇ છે.