વડસર કાંસા રેસિડેન્સીમાં રહેતી મહિલા સહિત બે નું રેસક્યૂ કરાયું
ફાયર બ્રિગેડે એનાઉન્સ કરવા છતાંય વડસરમાં રહેતા અન્ય પરિવારોએ હાલમાં ઘર છોડવાની ના પાડી
વડોદરા,રવિવારે શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ફરીથી શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો. વડસર વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝન મહિલા સહિત બે લોકોને ફાયરબ્રિગેડની ટીમે બોટમાં હેમખેમ બહાર કાઢ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે એનાઉન્સમેન્ટ કરી અન્ય પરિવારોને પણ સલામત સ્થળે જતા રહેવા કહ્યું હતું. પરંતુ, અન્ય પરિવારો ઘર છોડવા માટે તૈયાર નહતા.
આ વર્ષે વરસાદે શહેરને સતત ઘમરોળ્યું છે. આજે બપોરે શહેરમાં બે કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તે ઉપરાંત આજવા સરોવાર અને વિશ્વામિત્રી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા શહેરમાં ફરીથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. વડસર વિસ્તારમાં અંદાજે ૭ ફૂટ પાણી ભરાયા હતા. જેના કારણે વડસર વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોના જીવ પડીકે બંધાયા હતા. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, વડસરની કાંસા રેસિડેન્સીમાં રહેતા એક સિનિયર સિટિઝન મહિલાને પગમાં તકલીફ હતી. તેઓની તબિયત સારી નહતી. જેથી, તેમણે ફાયરબ્રિગેડને કોલ કરીને મદદ માંગી હતી. ફાયર ઓફિસર નિકુંજ આઝાદ અને તેમનો સ્ટાફ વડસર વિસ્તારમાં પહોંચ્યા હતા. ૭ ફૂટ પાણીમાં તેઓ બોટ લઇને મહિલાના ઘરે પહોંચ્યા હતા. મહિલા સહિત બે ને રેસક્યૂ કરીને સલામત સ્થળે પહોંચાડયા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અંદાજે ૨૦૦ થી ૨૫૦ લોકો રહે છે. અમે એનાઉન્સ કરીને તેઓને પણ સલામત સ્થળે જવા માટે સમજાવ્યા હતા.પરંતુ, તેઓ હાલમાં ઘર છોડીને નીકળવા માટે તૈયાર નહતા. તેઓએ ફાયરબ્રિગેડના સ્ટાફને જણાવ્યું હતું કે, અમારે હાલમાં જવું નથી. જો વધારે વરસાદ પડશે અને પાણી ભરાશે તો અમે તમને કોલ કરીશું ત્યારે અમારી મદદ કરજો.
અલગ - અલગ સ્થળે ૧૮ ઝાડ ધરાશાયી થયા
વડોદરા,શહેરમાં આજે પવન સાથે ભારે વરસાદ પડતા અલગ - અલગ સ્થળોએ ૧૮ ઝાડ પડયા હતા. ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર જઇ રોડ પરથી ઝાડ હટાવ્યા હતા. જોકે, જાનહાનિના કોઇ બનાવ બન્યા નથી.