Get The App

વેજલપુરના સર્કલ ઓફિસર સહિત બે રૃા.૨૨ હજારની લાંચ લેતા ઝડપાયા

રૃા.૨૫ હજારની માંગણી બાદ રૃા.૨ હજાર નક્કી થયા ઃ વડોદરા એસીબીનું કાલોલ તાલુકામાં છટકું

Updated: Mar 31st, 2022


Google News
Google News
વેજલપુરના સર્કલ ઓફિસર સહિત બે રૃા.૨૨ હજારની લાંચ લેતા ઝડપાયા 1 - image

ગોધરા તા.૩૧ ખેતીની જમીન એનએ કરવા માટેનો અભિપ્રાય આપવા માટે કાલોલ તાલુકાના વેજલપુર સર્કલ ઓફિસર તેમજ આઉટસોર્સ કર્મચારી  રૃા.૨૨ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા  હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાની ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા ઓનલાઇન અરજી થઇ હતી. આ અરજીના કામે વેજલપુર સર્કલ ઓફિસર જીતેન્દ્રકુમાર લાલાભાઇ ખરાડીએ રેવન્યુ સર્કલ ઓફિસર તરીકે પોતાનો અભિપ્રાય આપવા માટે લાંચ પેટે રૃા.૨૫ હજારની માંગણી કરી હતી. જો કે આ રકમ વધારે હોવાથી રકઝકના અંતે રૃા.૨૨ હજાર આપવાનું નક્કી થયું હતું. લાંચની  રકમ  લાંચિયા રેવન્યૂ કર્મચારીને આપવી નહી હોવાથી એસીબી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ આપી  હતી.

કાલોલમાં જૂની મામલતદાર કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન મદદનિશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.આર. ગામીત તેમજ સ્ટાફના માણસોએ ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ જમીન એનએ કરાવવા માંગનાર જૂની મામલતદાર કચેરીએ પહોંચી ગયેલ અને સર્કલ ઓફિસર જીતેન્દ્ર ખરાડીનો સંપર્ક સાધતા તેમના કહેવાથી કોમ્પ્યુટર ઓપરેટર મધ્યાહન ભોજન યોજનાનો આઉટસોર્સ કર્મચારી કૌશિક ગણપતસિંહ જાદવે લાંચની રૃા.૨૨  હજાર રકમ સ્વીકારી હતી.

વડોદરા એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં કૌશિક જાદવ બાદ સર્કલ ઓફિસર જીતેન્દ્ર ખરાડીને પણ એસીબીએ ઝડપી પાડયા  હતાં. કલેક્ટર કચેરીના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા  હોવાની વાત ફેલાતા રેવન્યૂ કર્મચારીઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.



Tags :