વડોદરામાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના બે બનાવ,DJ ને કારણે લોબી તૂટી
વડોદરાઃ વડોદરામાં છેલ્લા બે દિવસ દરમિયાન જુદાજુદા વિસ્તારોમાં જર્જરિત મકાનોના ભાગ ધરાશાયી થવાના બે બનવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ચાર દરવાજા તેમજ આસપાસના જૂના ગાયકવાડી સમયના સંખ્યાબંધ મકાનો જર્જરિત હાલતમાં છે.કોર્પોરેશન દ્વારા ૧૦૦૦ થી વધુ મકાનોને નોટિસો આપવામાં આવી છે.પરંતુ તેની ગંભીરતાથી કોઇ નોંધ લેતું નથી.જેને કારણે મકાન તૂટવાના વધુ બે બનાવ બન્યા હતા.
શનિવારે મોડીરાતે દશામાની મૂર્તિઓનું વાજતેગાજતે સવારીઓ સાથે સ્થાપ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન માર્કેટ થી દાંડિયાબજાર જવાના માર્ગે એક મકાનની બાલ્કની તૂટી પડી હતી.પરંતુ કોઇ જાનહાનિ થઇ નહતી.ડીજેના હાઇ વોલ્યુમને કારણે મકાનનો ભાગ તૂટી પડયો હોવાનું મનાય છે.
તો બરાનપુરા મેન રોડ પર આવેલી બેકરી પાસેના એક મકાનનો ભાગ ધડાકા સાથે તૂટી પડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.સારા નશીબે કોઇ વ્યક્તિ હાજર નહિં હોવાથી કોઇ જાનહાનિ થઇ નહતી.આ પ્રકારના મકાનોએ ભૂતકાળમાં અનેક નિર્દોષોના જીવ લીધા છે ત્યારે કોર્પોરેશન આવા કિસ્સામાં સત્વરે કામગીરી કરે તેવી લાગણી લોકોમાં વ્યક્ત થઇ રહી છે.