વડોદરામાં સાંજે વીજળીના કડાકા સાથે બે ઇંચ તોફાની વરસાદ
નીચાણવાળા વિસ્તારો તેમજ રોડ પર ફરી પાણી ભરાયા ઃ બે દિવસ હજી આગાહી
વડોદરા, તા.19 ચોમાસાની ઋતુ સત્તાવાર રીતે વિદાય થઇ ગઇ હોવા છતાં પણ અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે વડોદરામાં આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. આજે બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
દિવાળીના તહેવારો નજીક હોવા છતાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે સાંજે વાતાવરણ બદલાયું હતું અને વીજળીના કડાકા સાથે ઠંડો પવન ફૂંકાવાનું શરૃ થયું હતું. સાંજે છ વાગ્યા બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૃ થઇ ગયો હતો. લાંબા સમય બાદ મેઘરાજા મન મૂકીને વરસતા આખા દિવસના ઉકળાટથી પરેશાન થતાં શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.
હવામાનખાતાના જણાવ્યા મુજબ શહેરમાં સાંજે બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ૧૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૭૬ અને સાંજે ૬૭ ટકા નોંધાયું હતું. મહત્વની બાબત એ છે કે પૂર નિયંત્રણ કક્ષમાં સાંજે છથી રાત્રે આઠ વાગ્યા સુધી માત્ર ૬ મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં પણ ડભોઇ, પાદરા, અને શિનોર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આગામી બે દિવસ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.