કિસાનનગર પાસે દારૃ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા
પાણીગેટના રાકેશ કનોજીયાને દારૃનો જથ્થો પહોંચાડવાનો હતો ઃ ૪.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા, તા.16 ડભોઇ-વડોદરા સ્ટેટ હાઇવે પર કિશાનનગર પાસે વરણામા પોલીસે એક કારને રોકી તેમાંથી દારૃનો મોટો જથ્થો કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે જથ્થો મંગાવનાર પાણીગેટના શખ્સ સહિત બેને વોન્ટેડ જાહેર કરાયા છે.
આ અંગેની વિગત એવી છે કે સફેદ રંગની એક કારમાં દારૃ ભરીને આ કાર ડભોઇ તરફથી વડોદરા તરફ આવે છે તેવી માહિતીના આધારે જિલ્લા પોલીસે કિસાનનગર બસ સ્ટેન્ડ પાસે બેરિકેડ કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમી મુજબની કાર આવતાં તેને રોકી તપાસ કરતાં કારની ડીકીમાં દારૃના ક્વાર્ટરિયા ભરેલા બોક્સો મળ્યા હતાં. પોલીસે દારૃની કુલ ૧૦૦૮ બોટલો, બે મોબાઇલ અને કાર મળી કુલ રૃા.૪.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૃની હેરાફેરી કરનાર બંને શખ્સોના નામ પૂછતાં સુરેશ સરદારસિંહ સોલંકી (રહે.બાબાદેવ ફળિયું, તલાવત, ઉદયગઢ, તા.જોબર, જિલ્લો અલીરાજપુર, એમપી) અને ભાવેશ ઇન્દરસીંગ ચૌહાણ (રહે.પુજારા ફળિયું, ઇંટારા, તા.આંબુવા, એમપી) જાણવા મળ્યું હતું. બંનેની વધુ પૂછપરછ કરતાં દારૃનો જથ્થો ઉદયગઢ ખાતેના બજારમાં ટાંકી ચોરાયા પાસેના એક ઠેકા પરથી દારૃનો જથ્થો કારમાં ભર્યો હતો અને વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા રાકેશ રામદેવ કનોજીયાને પહોંચાડવાનો હતો.