દાદરી - મુંબઇ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર પ્રથમ વખત બે ગુડ્ઝ ટ્રેન દોડી
કાંકરીયા-જલગાંવ ગુડ્ઝ ટ્રેન મકરપુરાથી ઉધના 4 કલાકને બદલે બે કલાકમાં પહોંચી
વડોદરા : રેલવે ટ્રેક પરનું ભારણ ઓછુ કરવા અને મુસાફરો માટેની ટ્રેનોના સરળ પરિવહન માટે માલવાહક ગાડીઓ માટે ઉત્તર પ્રદેશના દાદરીથી નવી મુંબઇ સુધી ૧૫૦૬ કિ.મી.નો ખાસ ટ્રેક તૈયાર થઇ રહ્યો છે જેમાં વડોદરાથી ઉધના સુધીનો ટ્રેક તૈયાર થઇ ગયો છે. આ ટ્રેક પર આજે બે માલવાહક ગાડીઓને દોડાવામાં આવી હતી જ્યારે ઉધના અને નિયોલ સ્ટેશન વચ્ચેના ટ્રેકના પરીક્ષણ માટે ઇલેક્ટ્રિક લોકો એન્જિનને દોડાવવામા આવ્યુ હતું.
આ અંગે માહિતી આપતા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ડીએફસીસીઆઇએલ)વડોદરા ઝોનના અધિકારી સી.એલ.ચૌધરીએ કહ્યું હતું કે વડોદરા માટે અને દેશ માટે આજે ઐતિહાસિક ક્ષણ હતી.માલવાહક ગાડીઓ માટેના પશ્ચિમ ભારતના સૌથી મોટા દાદરી-નવી મુંબઇ ટ્રેક પર આજે પ્રથમ વખત બે માલવાહક ગાડીઓને સફળતાપુર્વક દોડાવામાં આવી હતી. કાંકરીયા જલગાંવ માલવાહક ટ્રેનને વડોદરા મકપુરાથી ડીએફસી ટ્રેક પર લઇ જવાઇ હતી અને ત્યાંથી ઉધના સુધી (૧૩૮ કિ.મી.) આ ટ્રેન આ ખાસ ટ્રેક પર દોડી હતી. સામાન્ય રીતે મકરપુરાથી ઉધના સુધી માલવાહક ગાડીને પહોંચતા ૪ થી ૫ કલાકનો સમય લાગે છે કેમ કે રેલવેના પરંપરાગત ટ્રેક પર પેસેન્જર ટ્રેનોને પ્રાથમિકતા અપાય છે એટલે માલવાહક ગાડીને સમય લાગે છે. પરંતુ આજે માલગાડી માટેના જ સમર્પિત ટ્રેક પર કાંકરીયા-જલગાવ માલવાહક ટ્રેનને મકરપુરાથી ઉધના પહોંચતા બે કલાકનો સમય લાગ્યો હતો.
કન્ટેનર ટ્રેન મકરપુરાથી સંજાણ 7ને બદલે 4 કલાકમાં પહોંચી, ઉધના અને નિયોલ વચ્ચે ઇલેક્ટ્રિક લોકો ટ્રાયલ પણ સફળ