વડોદરામાં ગણદેવીકર જ્વેલર્સના શો-રૂમમાંથી સાડા ત્રણ લાખની સોનાની બે બંગડીઓની ચોરી
- પોલીસે દોઢ મહિના પછી ગુનો દાખલ કરતા આશ્ચર્ય
- ધનતેરસના દિવસે ગણદેવી કર જ્વેલર્સના શોરૂમમાંથી બે સોનાની બંગડીઓ ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ ચોરી કરી ગઈ હતી.
વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર
વડોદરાના રાવપુરા પ્રતાપ રોડ પર સુનિલભાઈ ગણદેવી કરના માલિકીના શો-રૂમ સારા ગણદેવીકર જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડમાં નિલેશ કદમ છેલ્લા પાંચ વર્ષથી ચીફ એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 9મી નવેમ્બરે ધનતેરસ હોવાથી અમારા શોરૂમ પર ગ્રાહકોની ખૂબ જ ભીડ હતી. બીજે દિવસે 10મી તારીખે પણ ભીડ હોવાથી સ્ટોકનું કાઉન્ટિંગ બરાબર કરી શક્યો ન હતો. ત્યારબાદ 12મી તારીખે અમે શો-રૂમ પર સોનીના દાગીનાનો સ્ટોક ચેક કરતા સોનાની બે બંગડીઓ 60.220 ગ્રામ કિંમત રૂપિયા 3.54 લાખની ઓછી હતી. જેથી અમને ચોરીની શંકા જતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તે દરમિયાન નવમી નવેમ્બરે બપોરે 4:00 વાગે અમારા શો-રૂમમાં 3 અજાણી મહિલાઓ આવી હતી જે પૈકી એકે પીળા કલરનું બીજીએ લાલ કલરનો અને ત્રીજીએ લીલા કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેઓ ગ્રાહકના સ્વાંગમાં દાગીનાની ખરીદી કરવા માટે આવ્યા હતા અને સેલ્સ ગર્લની નજર ચૂકવીને સોનાની બે બંગડીઓ ચોરી ગઈ હતી.