ચાલકે દરવાજો લોક નહીં કરતા પૂરપાટ દોડતી સ્કૂલ વાનમાંથી બે બાળકીઓ નીચે પટકાઈ
વડોદરાઃ વડોદરાના નોવિનો -તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાંથી પસાર થતી સ્કૂલ વાનમાંથી બે બાળકીઓ રોડ પર પટકાતા હાહાકાર મચી ગયો હતો.સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી.સાંજે પોલીસે વાન ચાલકની ધરપકડ કરી હતી.વાનમાંથી પડી ગયેલી બાળકીઓ મકરપુરા વિસ્તારની ન્યૂઈરા સ્કૂલની હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઘટનાએ સ્કૂલ વર્ધીના વાહનો બાળકો માટે ભારે જોખમી છે તેવુ ફરી પૂરવાર કર્યુ છે.આવા વાહનોમાં બેસીને જતા હજારો બાળકોના વાલીઓની ચિંતામાં વધારો થયો છે અને પોલીસ તેમજ આરટીઓની કાયદાનો અમલ કરાવવાની ક્ષમતા સામે પણ સવાલો ઉભા થયા છે.
મળતી વિગતો પ્રમાણે આ ઘટના તા.૧૯ જૂને બની હતી.જેના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, પૂરઝડપે જઈ રહેલી ઈકો વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ તેમની સ્કૂલ બેગ સાથે નીચે પડે છે.આ જોઈને તુલસી શ્યામ સોસાયટીના રહેવાસીઓ વિદ્યાર્થિનીઓની મદદે દોડી જાય છે.
સોસાયટીના રહેવાસીઓએ કહ્યુ હતુ કે, વાનમાંથી પટકાયેલી વિદ્યાર્થિનીઓને ગભીર ઈજા પહોંચી હતી.અમે તેમને નજીકના ઘરમાં લઈ ગયા હતા.તેમની સારવાર કરી હતી.વાન ચાલક થોડો આગળ જતો રહ્યો હતો.તે પાછો આવ્યો હતો અને વાનમાં બેસાડીને બાળકીઓને ઘરે મૂકી આવ્યો હતો.વાનની ઝડપ ઓછી હોત તો બાળકીઓને વધારે વાગ્યુ ના હોત.અમે વાન ચાલકને ટકોર પણ કરી હતી કે, આટલી ઝડપે વાન ચલાવવી ના જોઈએ.બાળકોની સલામતી પણ જોવી જોઈએ.
બીજી તરફ આ ઘટના બાદ આરટીઓ અને પોલીસ હરકતમાં આવી હતી.પોલીસે ફૂટેજના આધારે તરસાલી વુડાના મકાનમાં રહેતા પ્રતિક મહેશ પઢિયાર નામના વાન ચાલકને શોધી નાંખ્યો હતો અને સ્કૂલ કેમ્પસમાંથી તેની ધરપકડ કરી હતી.સાથે સાથે વાનના માલિક અને સોમા તળાવ વિસ્તારની નંદ વિહાર સોસાયટીમાં રહેતા વાનના માલિક જિગ્નેશ હરીપ્રસાદ જોષીની ધરપકડ કરી હતી.પોલીસના કહેવા પ્રમાણે પડી ગયેલી બાળકી પૈકી એક બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.ઉપરાંત વાન ચાલક પ્રતિક પઢિયાર પાસે પાકુ લાઈસન્સ પણ નથી.લર્નિંગ લાઈસન્સ પર તે ગાડી ચલાવતો હતો.પ્રતિક પઢિયારે કહ્યુ હતુ કે, હું વાનનો દરવાજો લોક કરવાનુ ભૂલી ગયો હતો અને તેના કારણે પાછલો દરવાજો ખુલી જતા બંને બાળકીઓ નીચે પડી ગઈ હતી.લર્નિંગ લાઈસન્સ હોવા છતા પ્રતિક પઢિયારને ગાડી ચલાવવા આપવા બદલ ગાડીના માલિક જિગ્નેશ હરિપ્રસાદ જોષીની સામે પણ આ મામલામાં મદદગારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોટાભાગના વાન ચાલકો બેફામ ડ્રાઈવિંગ કરે છે
ચાલુ વાનમાંથી પડી ગયેલી બે બાળકીઓની ઘટનાના પગલે સ્કૂલ વાનોમાં બેસતા બાળકોની સલામતી સામે ફરી સવાલો ઉભા થયા છે.મોટાભાગે એવુ જોવા મળે છે કે, સ્કૂલ વાન ચલાવતા યુવા ડ્રાઈવરો જાણે રેસમાં ઉતર્યા હોય તેવુ બેફામ ડ્રાઈવિંગ કરે છે.તેઓ સ્કૂલમાં બેઠેલા બાળકોની સલામતીની સ્હેજ પણ પરવા કરતા નથી.બાળકીઓ પડી જવાની ઘટનામાં પણ વાનમાં તે સમયે બેઠેલી બીજી બાળકીઓએ કહ્યુ હતુ કે, અંકલ થોડી ફાસ્ટ ચલાવે છે અને દરવાજો કદાચ બંધ નહીં હોય એટલે બાળકીઓ પડી ગઈ હશે.
ઘેંટા-બકરાની જેમ ભરાતા બાળકોને જોવા પડે છે
વાલીઓ સ્કૂલ વર્ધી વાહનોના ચાલકોની મોનોપોલી સામે લાચાર
સ્કૂલ વાન અને રીક્ષાઓમાં ઘેંટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવે છે અને વાલીઓ પોતાના જ સંતાનોને લાચાર બનીને જોયા કરે છે.કારણકે કેટલાક કિસ્સામાં ઓછા બાળકોને બેસાડવા માટે વાન કે રીક્ષા ચાલકો જેટલા પૈસા માંગે છે તેટલા આપવાની વાલીઓની ત્રેવડ નથી હોતી અને ઘણી વખત વાલીઓ વધારે પૈસા આપવા તૈયાર હોય છે પણ તેમને સ્કૂલ વર્ધીના વાહનનો વિકલ્પ મળતો નથી.એવુ કહેવાય છે કે, વાન ચાલકો અને માલિકોનુ પોતાનુ નેટવર્ક છે.એક એરિયામાં વાન ચલાવનારા બીજા કોઈ વાન ચાલકને તે એરિયામાં વાન કે રીક્ષા ચલાવવા નથી દેતા અને તેના કારણે વાલી લાચાર બની જાય છે.બીજી તરફ પોલીસ અને આરટીઓ પણ વાન અને રીક્ષા ચાલકો સામે આંખ આડા કાન કરે છે.બાળકોની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જતી કોઈ ઘટના બને ત્યારે થોડા દિવસ ચેકિંગ થાય છે અને એ પછી રાબેતા મુજબ વાન અને રીક્ષાઓમાં બાળકોને ઠાંસી ઠાંસીને સ્કૂલે લઈ જવાનુ શરુ કરી દેવામાં આવે છે.