લવારપુર પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે રાજસ્થાનના બે પકડાયા
બુટલેગરોએ હવે આંતરિક માર્ગનો ઉપયોગ શરૃ કર્યો
ડભોડા પોલીસ દારૃ બિયરની બોટલો મળી ૫.૪૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે આ સ્થિતિમાં ચિલોડા હિંમતનગર
હાઇવે ઉપર દારૃની હેરાફેરી વધી છે પરંતુ અહીં પોલીસ દ્વારા દારૃ ભરેલા વાહનો પકડી
લેવામાં આવતા બુટલેગરો દ્વારા આંતરિક માર્ગનો ઉપયોગ શરૃ કરવામાં આવ્યો છે ત્યારે
ડભોડા પોલીસની ટીમને બાતમી મળી હતી કે,
ડભોડાથી લવારપુર તરફ જવાના માર્ગ ઉપર ડાલામાં વિદેશી દારૃનો જથ્થો ભરીને લઈ
જવામાં આવી રહ્યો છે અને જે બાતમીના પગલે પોલીસ દ્વારા લવારપુર બ્રિજ પાસે વોચ
ગોઠવવામાં આવી હતી બાતમીવાળું ડાલું આવતા તેને ઝડપી લેવામાં આવ્યું હતું અને તેમાં
તપાસ કરવામાં આવતા પાછળના ભાગે વિદેશી દારૃ અને બીયરની ૧૯૬૮ જેટલી બોટલ મળી આવી
હતી. જેથી તેના ચાલકની પૂછપરછ કરતા તે રાજસ્થાન ઉદેપુરનો પ્રવીણ અમરતભાઈ બોરાત અને
ક્લીનર હરેશ કાંતિલાલ ડામોર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ૫.૪૪ લાખ રૃપિયાનો
મુદ્દામાલ કબજે કરીને આ દારૃનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો
હતો તે જાણવા માટે મથામણ શરૃ કરી હતી.