જીપનું એક્સિલેટર એકદમ દબાઇ જતા બે મિત્રો ઘાયલ : એકનું મોત
મુંબઇથી વડોદરા વિસર્જન યાત્રામાં સામેલ થવા આવેલા યુવકે જીવ ગુમાવ્યો
વડોદરા, વિસર્જન યાત્રામાં સામેલ એક જીપના ચાલકથી એક્સિલેટર ભૂલથી દબાઇ જતા બે મિત્રોને અડફેટે લીધા હતા. બંને ઇજાગ્રસ્ત મિત્રોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે પૈકી એકનું મોત નિપજ્યું હતું. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઇ ચેમ્બૂરમાં રહેતો જગન ઓમકારભાઇ ચવરે અને તેનો મિત્ર રાજારામ બલીરામ ભોઇર ( રહે. ઉલ્લાસ નગર, મુંબઇ) વિસર્જન યાત્રામાં જોડાવા માટે મુંબઇથી વડોદરા આવ્યા હતા. તેમના મિત્ર ભીમાભાઇ ગુલશનભાઇ સોલંકી ( રહે.અમિત નગર સોસાયટી) ના ઘરે તેઓ રોકાયા હતા. રાતે નવ વાગ્યે ગણેશજીની મૂર્તિને બગ્ગીમાં બેસાડી તેઓ વિસર્જન માટે નીકળ્યા હતા. બગ્ગીની પાછળ છોટા હાથી ટેમ્પો હતો. જેમાં જમવાનું હતું. ટેમ્પાની પાછળ એક જીપ ચાલતી હતી. રાતે પોણા બાર વાગ્યે આર.જી.બી. કોમ્પલેક્સ સામે રોડ પર જગન અને તેનો મિત્ર રાજારામ જમવાનું લેવા માટે ઉભા હતા. તે દરમિયાન જીપના ડ્રાઇવરે એક્સિલેટર પર પગ મૂકી દેતા રાજારામ તથા વિવેક મિશ્રાને જોરદાર ટક્કર વાગતા તે બંને ટેમ્પામાં અથડાઇને રોડ પર ફેંકાઇ ગયા હતા. રાજારામને બંને પગના સાથળ તેમજ નળા પર જ્યારે વિવેક મિશ્રાને ડાબા પગની ઘૂંટી પર ઇજા થઇ હતી. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ, રાજારામનું મોત નિપજ્યું હતું. હરણી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.