દિવેર પાસે નર્મદા નદીમાં બે મિત્રો તણાયા ઃ એક લાપત્તા થયો
વડોદરા ફાયર બ્રિગેડની બોટ બગડી જતા કરજણથી ટીમ બોલાવવી પડી ઃ પ્રતિબંધ છતાં લોકો નદી કિનારે ઉમટી પડે છે
શિનોર તા.૧૬ શિનોર તાલુકાના દિવેર ગામે મઢી નજીક આવેલ વાલકેશ્વર આશ્રમ પાસે નર્મદા નદી કિનારે દહેજ રિલાયન્સમાં નોકરી કરતા ચાર મિત્રો ફરવા માટે આવ્યા બાદ હાથ પગ ધોવા નદીમાં ગયેલો એક યુવાન ડૂબી જતા તેને બચાવવા જતા બીજો મિત્ર ડૂબ્યો હતો જો કે સ્થાનિક લોકોએ એકને બચાવી લીધો હતો જ્યારે બીજો મિત્ર નદીના પાણીમાં લાપત્તા થઇ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૃચ જિલ્લાના દહેજ ખાતે આવેલ રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા ચાર મિત્રો ૨૧ વર્ષનો પટેલ મંથન વિજયકુમાર (રહે.ગોધરા), હેમલ ચંદ્રકાંત પરમાર, પ્રિતેશ મહેશભાઈ ગોહિલ અને જયદીપ લક્ષ્મણભાઈ બોપલિયા આજે જયદીપભાઇ બોપલિયાની ગાડી લઈને બપોરે શિનોર તાલુકાના દિવેર ગામ નજીક નર્મદા કિનારે મઢી ખાતે ફરવા આવેલ. વાલકેશ્વર આશ્રમ પાસે ગાડી પાર્ક કરી ચાલતા ચાલતા મઢી નર્મદા નદીના પ્રવાહ પાસે આવતા જયદીપભાઇ બોપલિયા હાથ પગ મોઢું ધોતા હતા ત્યારે તેનો પગ રેતીમાં લપસતા તે પાણીમાં તણાતા તેનો મિત્ર પ્રિતેશ ગોહિલ તેને બચાવવા માટે પાણીમાં કુદતા એ પણ પાણીમાં તણાયો હતો.
દરમિયાન બૂમાબૂમ થતાં નજીકમાં પશુ ચરાવતા દિવેરના લાલાભાઇ ભરવાડ દોડી આવતાં લાકડીનો સહારો આપતા લાકડી પકડી રીતેશ બહાર આવી ગયો હતો પરંતુ જયદીપ નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવને પગલે શિનોર પોલીસ દોડી આવી હતી અને નર્મદા નદી ના પાણીમાં લાપતા થયેલ જયદીપને શોધવા માટે વડોદરાની ફાયર બ્રિગેડની મશીન બોટની મદદ લેવામાં આવી હતી પરંતુ મશીન બોટ બગડી ગઈ હતી. બાદમાં કરજણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની મશીન બોટની મદદ લેવામાં આવી હતી. દિવેર નર્મદા નદીના કિનારે હરવા ફરવા અને નાહવા માટે પ્રતિબંધ અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું હોવા છતાં અનેક પર્યટકો આવી જતા હોય છે.