૬૫ વર્ષના વૃદ્ધનું અવસાન થતા બે આંખોનું દાન કરાયું
ભરવાડ સમાજમાં આંખોના દાનનો પ્રથમ કિસ્સો : અન્ય વ્યક્તિના જીવનમાં નવી રોશની ફેલાશે
વડોદરા,શહેર નજીક આજવા રોડ સિંકદરપુરા ગામે રહેતા ભરવાડ સમાજના એક વૃદ્ધનું અવસાન થતા તેમની આંખોનું દાન કરવામાં આવ્યું છે. તેમના પરિવારનું કહેવું છે કે, વડોદરામાં તેમના સમાજમાં આ પહેલું દાન છે.
વડોદરાથી આજવા જતા રોડ પર આવેલા સિકંદરપુરા ગામે રહેતા ૬૫ વર્ષના ધુળાભાઇ રામાભાઇ ભરવાડ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેઓની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓનું અવસાન થતા તેમના પુત્ર રાજુભાઇએ પોતાના સમાજમાં દાખલો બેસે તે માટે પિતાની આંખોનું દાન કર્યુ છે. અંગદાન કરવાથી તેમના પિતાની આંખો થકી કોઇ જરૃરિયાતમંદ દર્દીને નવી દ્રષ્ટિ મળશે અને તેના જીવનમાં નવો પ્રકાશ ફેલાશે. મેં મારા સમાજમાં પહેલ કરી છે. અન્ય લોકો પણ આ રીતે અંગદાન કરે તો ઘણાના જીવનમાં નવી રોશની આવશે.