ખોરજ રેલવે બ્રિજ ઉપર યુવાનના હાથમાંથી મોબાઇલ ઝુંટવી બે ફરાર

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
ખોરજ રેલવે બ્રિજ ઉપર યુવાનના હાથમાંથી મોબાઇલ ઝુંટવી બે ફરાર 1 - image


ગાંધીનગરમાં ગઠિયાઓનો વધતો ત્રાસ

ચાંદખેડાનો યુવાન મિત્ર સાથે અડાલજ ફિલ્મ જોવા જતો હતો અને હાથમાં રહેલો મોબાઇલ મોપેડ ઉપર આવેલા શખ્સો તફડાવી ગયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી ચિલડઝડપની ઘટના વધી રહી છે ત્યારે સરખેજ હાઇવે ઉપર ખોરજ બ્રિજ પાસે મોપેડ ઉપર મિત્ર સાથે જઇ રહેલા ચાંદખેડાના યુવાનના હાથમાંથી ૧૫ હજારનો મોબાઇલ ઝુંટવીને મોપેડ ઉપર આવેલા બે ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. જે સંદર્ભે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચિલઝડપની ઘટનાઓ સતત વધી રહી છે તેમાં વાહનચાલકો પાસેથી કિંમતી માલસામાન ઝુંટવી લેવામાં આવી રહ્યા છે ત્યારે અદાણી શાંતિગ્રામ ખાતે કંપનીમાં આસી. મેનેજર તરીકે કામ કરતો અને ચાંદખેડામાં રહેતો હાર્દિક નરેન્દ્રભાઇ જેઠવા ગત શનિવારે તેની મિત્ર સાથે મોપેડ ઉપર અડાલજ ખાતે ફિલ્મ જોવા જવા માટે નિકળ્યા હતા. વૈષ્ણોદેવી સર્કલથી તેઓ અડાલજ તરફ આવી રહ્યા હતા અને તેની મિત્ર મોપેડ ચલાવી રહી હતી જ્યારે હાર્દિક ફોનમાં મેપ ઓપન રાખીને રસ્તો બતાવી રહ્યો હતો.

આ વખતે ખોરજ બ્રિજ ઉપર પાછળથી મોપેડ ઉપર આવેલા બે શખ્સો હાર્દિકના હાથમાંથી મોબાઇલ ઝુંટવી ગયા હતા જો કે, તેમણે આ શખ્સોનો પીછો કર્યો હતો પરંતુ હાથમાં આવ્યા ન હતા. જેથી આ સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થયેલા ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે. નોંધવું રહેશે કે થોડા દિવસ અગાઉ દહેગા નરોડા હાઇવે ઉપર પણ મોપેડ ઉપર જઇ રહેલા માતા પુત્રીને ધક્કો મારીને દોઢ લાખની મત્તા ભરેલો થેલો ઝુંટવી ગયા હતા જેમનો પણ કોઇ અતોપતો લાગ્યો નથી. 


Google NewsGoogle News