વડોદરાના આજવા રોડ પર જર્જરિત થયેલા બે વીજ થાંભલા ભોંયભેગા, સ્કૂલના વિદ્યાર્થી અને દુકાનદારનો આબાદ બચાવ

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
વડોદરાના આજવા રોડ પર જર્જરિત થયેલા બે વીજ થાંભલા ભોંયભેગા, સ્કૂલના વિદ્યાર્થી અને દુકાનદારનો આબાદ બચાવ 1 - image

વડોદરા,તા.27 જાન્યુઆરી 2024,શનિવાર

વડોદરાના આજવા રોડ પર મહાવીર હોલ પાસે મધ્ય ગુજરાત વીજ કંપનીના બે થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સ્કૂલના એક વિદ્યાર્થી અને એક દુકાનદારનો આબાદ બચાવ થયો હતો.

મળતી વિગતો પ્રમાણે આ બંને વીજ થાંભલા જૂના થઈ ગયા હતા અને નીચેથી તેમાં કાટ પણ લાગી ગયો હતો. આજે સાત વાગ્યે અચાનક જ આ બંને થાંભલા પડી જતા મોટા ધડાકા જેવો અવાજ પણ થયો હતો.

મળતી વિગતો પ્રમાણે નજીકમાં જ્યૂસની એક દુકાન આવેલી છે અને સવારે કેટલાક લોકો ત્યાં જ્યૂસ પીવા માટે એકઠા થતા હોય છે. સદનસીબે આ થાંભલા તેની વિરુધ્ધ દિશામાં પડયા હતા. જોકે થાંભલા જે તરફ પડયા હતા ત્યાં પણ સ્કૂલના વિદ્યાર્થી અને એક દુકાનદારનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટના બાદ વીજ કંપનીની મેન્ટેનન્સની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. શહેરમાં કદાચ બીજા પણ એવા થાંભલા હશે જે વર્ષો જૂના હશે અને કાટ ખાઈ ગયા હશે. આ થાંભલાઓની વીજ કંપની દ્વારા ચકાસણી થવી જોઈએ અને જરુર પડે તો જર્જરિત થાંભલા કોઈનો જીવ લે તે પહેલા તેને હટાવીને તેની જગ્યાએ બીજા થાંભલા લગાવવા જોઈએ તેવુ પણ આ ઘટના બની ત્યારે હાજર લોકોમાં ચર્ચાતુ હતુ. જીઈબી દ્વારા નિયમિત રીતે વીજ લાઈનોનુ મેન્ટેનન્સ કરવામાં આવે છે તો થાંભલાનુ પણ થવુ જોઈએ.જેથી કોઈના જીવ પર જોખમ ના સર્જાય.


Google NewsGoogle News