મહી નદીમાં નાહવા માટે ગયા બાદ ડૂબી જતા મહિલા સહિત બેના મોત
વડોદરાના પ્રતાપનગર વિસ્તારના રહીશો ગોઠડા ગામે સગાઇમાં ગયા બાદ નદીમાં નાહવા ઉતર્યા હતાં ઃ મહિલાનો મૃતદેહ સંબધીઓ લઇને રવાના થઇ ગયા
સાવલી તા.૯ વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહી અને નર્મદા નદી તેમજ કેટલાક જળાશયોમાં નાહવા પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો હતો તેની વચ્ચે સાવલી તાલુકાના અમરાપુરા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં બે જણના ડૂબી જવાથી મોત થયા હતાં.
સાવલી તાલુકાના ગોઠડા ગામે કાલુભાઈ ચૌહાણના ઘેર સગાઈ પ્રસંગે મહેમાન આવ્યા હતાં. આજે ભારે ગરમી અને ઉકળાટના પગલે અમરાપુરા ગામે આવેલા કેટલાંક મહેમાનો અમરાપુરા ગામે આવેલ મહી નદીમાં નાહવા પડયા હતા જેમાં સુગરાબેન ગરાસીયા અને વિક્રમસિંહ દીપસિંહ ચૌહાણ (રહે.પ્રતાપનગર, વડોદરા)ં મહી નદીના વહેણમાં તણાયા હતાં. બનાવના પગલે બૂમાબૂમ થતા સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનો દોડી આવ્યા હતાં.
લોકોએ સુગરાબેનને અર્ધ બેભાન અવસ્થામાં નદીમાંથી બહાર કાઢયા બાદ તેમને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સુગરાબેનને મૃત જાહેર કર્યા હતાં. જ્યારે વિક્રમસિંહ ચૌહાણનો પત્તો નહી લાગતાં વડોદરાથી એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી. જો કે સ્થાનિક તરવૈયા અને જવાનોએ વિક્રમનો મૃતદેહ શોધી કાઢયો હતો.
ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર દ્વારા લાંછનપુરા ખાતે મહી નદીમાં નાહવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે જેના પગલે અમરાપુરા ગામે પસાર થતી મહી નદીમાં મહેમાનો નાહવા ગયા હતાં. મૃતક સુગરાબેનના સગા સંબંધીઓએ કોઈપણ કાર્યવાહી કરવાની ના પાડતા તેઓ મૃતદેહ લઈને રવાના થઈ ગયા હતાં.