Get The App

વડોદરા શહેર-જિલ્લામાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યુથી બે વ્યક્તિના મોત

Updated: Oct 30th, 2021


Google NewsGoogle News
વડોદરા શહેર-જિલ્લામાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યુથી બે વ્યક્તિના મોત 1 - image


- વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર પી.આર.ઓ મહિલા કોર્પોરેટર પણ રોગચાળાનો ભોગ બન્યા

વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ડેન્ગ્યુના કારણે 17 વર્ષની યુવતી અને 77 વર્ષના વૃદ્ધ વ્યવસાયકાર સહિત બે વ્યક્તિઓના નિધન થાય છે. એક તરફ પાલિકા અને જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર કોરોનાની જેમ મચ્છરજન્ય રોગચાળાના આંકડા છૂપાવવામાં મસ્ત છે ત્યારે બીજી તરફ દિવસે દિવસે ડેંગ્યુ વધુ જીવલેણ મહામારી બની રહી છે. ડેન્ગ્યુ રોગને કારણે વધુ બે વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રોજ નવા વિસ્તાર રોગચાળાની ઝપટમાં આવી રહ્યા છે. હાલ શહેરમાં એવો કોઈપણ વિસ્તાર નથી જ્યાં આ રોગચાળો વકર્યો ન હોય. આ વચ્ચે શહેર અને જિલ્લાના વધુ બે દર્દીઓએ છેલ્લા ૨૪ કલાકમાં પોતાના જીવ ગુમાવ્યા છે. દાંડિયાબજાર ચાર રસ્તા ખાતે આવેલ એક બેટરીની દુકાનના સંચાલક ડેંગ્યુની ઝપટમાં આવ્યા હતા. ગત રવિવારના રોજ તેમની તબિયત નાદુરસ્ત થઈ હતી. તેમને પ્રાથમિક સારવાર લીધી હતી જે બાદ તેમનો બ્લડ સેમ્પલ લેવામાં આવ્યો હતો. જેમાં તેમને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતું. જેથી તેમને આયુર્વેદિક કોલેજ પાસે તેમના નિવાસસ્થાન નજીક આવેલી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે તેઓ જન્નતનશીન થયા હતા.

તેવી જ રીતે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામે 17 વર્ષીય એક યુવતીની ગત 25મી ઓક્ટોબરના રોજ તબિયત લથડી હતી. જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતું જેથી હોસ્પિટલના તબીબો દ્વારા તેની ડેન્ગ્યુની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ વચ્ચે ગઇકાલે 17 વર્ષીય યુવતીએ અંતિમ શ્વાસ લીધો હતો. જેથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી હતી. તહેવાર ટાણે રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ હજુ સધન કામગીરી કરે એ અનિવાર્ય બન્યું છે. અન્યથા અનેક પરિવારોની દિવાળી બગડે એવું અનુમાન છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ પી.આર.ઓ અભિષેક પંચાલ તથા મહિલા કોર્પોરેટર નીલમબેન ચોકસી પણ ચિકનગુનિયાના રોગના ભોગ બન્યા છે જ્યારે મહિલા કોર્પોરેટર પારૂલબેન પટેલની પણ ડેન્ગ્યુની અસર થઇ હોવાનું જાણવા મળે છે.


Google NewsGoogle News