ધો.૧૨ પછી પ્રવેશ માટે સરકારના કોમન એડમિશન પોર્ટલ પર ફોર્મ ભરવાના બે દિવસ બાકી
વડોદરાઃ ધો.૧૨ પછી આર્ટસ, સાયન્સ, હોમસાયન્સ, કોમર્સમાં એમ.એસ.યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા માટે સરકારના જીકાસ( ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ) પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાની અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ તા.૨૮ મે છે.આમ વિદ્યાર્થીઓ પાસે પ્રવેશ માટે ફોર્મ ભરવા માટે બે દિવસ બચ્યા છે.
દરમિયાન એમ.એસ.યુનિવર્સિટીએ સત્તાવાર રીતે જાણકારી આપીને કહ્યુ છે કે, સરકારના કોમન એડમિશન પોર્ટલ પર અરજી કરનારા વિદ્યાર્થીઓને જ એમ.એસ.યુનિવર્સિટી પ્રવેશ આપશે.આ સિવાય બીજી કોઈ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે.
યુનિવર્સિટીના પીઆરઓ( ઓએસડી) પ્રો.હિતેશ રાવિયાના કહેવા પ્રમાણે તમામ વિદ્યાર્થીઓએ સરકારના પોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરવુ ફરજિયાત છે.વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર જઈને ફોર્મ ભરીને તમામ જરુરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ અરજી ફી ભરવાની હોય છે.ફોર્મ ભરતા પહેલા તમામ માહિતી બરાબર છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઈએ.
જો વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ મૂંઝવણ હોય તો તે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં કાર્યરત કરાયેલા હેલ્પ સેન્ટરની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવી શકે છે.
વિદ્યાર્થીઓએ આર્ટસ, સાયન્સ, કોમર્સ, એજ્યુકેશન એન્ડ સાયકોલોજી, લો, ફાઈન આર્ટસ, હોમસાયન્સ, સોશિયલ વર્ક, પરફોર્મિંગ આર્ટસ, જર્નાલિઝમ ફેકલ્ટીમાં પ્રવેશ માટે સરકારના કોમન એડમિશન પોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરવુ જરુરી છે.