ખૂનના કેસના ગુનેગાર સહિત બે શખ્સો પેરોલ મેળવી ફરાર
જેલ સત્તાવાળાઓની ફરિયાદ બાદ બંનેને શોધી કાઢવા પોલીસની કવાયત
વડોદરા, તા.10 વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ મેળવીને જેલમાંથી બહાર નીકળ્યા બાદ ખૂનના ગુનેગાર સહિત બે શખ્સો ફરાર થઇ જતાં પોલીસે બંનેની શોધખોળ શરૃ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ ડભોઇ તાલુકાના ચનવાડા ગામે સલાટ ફળિયામાં રહેતા રમેશ ઉર્ફે પુઇ પ્રહલાદ વસાવાની હત્યાના ગુનામાં વર્ષ-૨૦૨૧માં ધરપકડ થઇ હતી. તેની સામે કોર્ટમાં કેસ ચાલી જતાં તા.૧૮ મે ૨૦૨૩ના રોજ કોર્ટે તેને આજીવન કેદની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. દરમિયાન હાઇકોર્ટના હુકમ મુજબ તેને ૧૦ દિવસની પેરોલ રજા મળતાં તા.૩૦ માર્ચ ૨૦૨૪ના રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તા.૯ના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે હાજર નહી થતાં જેલ સત્તાવાળા દ્વારા તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગોધરા તાલુકાના બેટીયા ગામે નદીવાળા ફળિયામાં રહેતા રોશન ઉર્ફે નાનાભાઇ નટવરભાઇ ચૌહાણ સામે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાતા તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ-૨૦૨૨માં કેસ ચાલી જતાં કોર્ટે તેને ત્રણ વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. સજા બાદ તેને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન હાઇકોર્ટના હુકમ મુજબ તા.૩૦ના રોજ તેને પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તા.૯ના રોજ તેને જેલમાં પરત ફરવાનું હતું પરંતુ તે જેલમાં આવ્યો ન હતો અને ફરાર થઇ જતાં તેની સામે પણ પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.