ઇન્દોરથી પાર્સલમાં વિદેશી દારૃ મંગાવનાર બે પિતરાઇ ભાઇ પકડાયા
દંતેશ્વરમાં અને નવાપુરામાં વિદેશી દારૃ વેચતા બે આરોપી ઝડપાયા : ૭૭ બોટલ કબજે
,વડોદરાના દંતેશ્વર તથા નવાપુરામાં વિદેશી દારૃનો ધંધો કરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે દારૃની ૮૧ બોટલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે દંતેશ્વર હરિઓમ નગરમાં રહેતો દુર્ગેશ દીપકભાઈ દેશમુખ પોતાના ઘરની બહાર ઈલેક્ટ્રીક બાઈકમાં વિદેશી દારૃનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા દુર્ગેશ દેશમુખ રહેવાસી હરિ ઓમ નગર મળી આવ્યો હતો. તેની ઇલેક્ટ્રીક બાઈકમાં તપાસ કરતા વિદેશી દારૃની કુલ ૭૭ બોટલ ૧૪,૯૦૦ની મળી આવી હતી. દારૃ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા આરોપીએ જણાવ્યું હતું કે સોમા તળાવ પાસેથી અર્જુન રામજી રાઠવા પાસેથી લાવ્યો છું. જેથી પોલીસે અર્જુનને વોન્ટેડ જાહેર કર્યો છેે. પોલીસે આરોપી પાસેથી કુલ ૬૯,૯૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બીજા બનાવમાં પીસીબીને માહિતી મળી હતી કે, નવાયાર્જ લાલપુરામાં રહેતા ચિરાગ લલિતભાઇ સોલંકી તથા તેના પિતરાઇ ભાઇ નિલેશ રતિલાલ સોલંકીએ ઇન્દોરથી પાર્સલમાં વિદેશી દારૃ મંગાવ્યો છે. ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાર્સલ લઇને તેઓ રિક્ષામાં જેલ રોડ, ભીમનાથ બ્રિજ થઇ નવાયાર્ડ જવાના છે. જેથી, પોલીસે વોચ ગોઠવીને ચિરાગ તથા નિલેશને ઝડપી પાડી દારૃની ૨૧ બોટલ કિંમત રૃપિયા ૧૬,૮૦૦ સહિત કુલ ૮૭,૩૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ત્રીજા બનાવમાં પીસીબી પોલીસે મોપેડ પર દેશી ૯૦ લિટર દેશી દારૃ લઇને જતા આરોપી લાલાભાઇ ઉર્ફે લાલજી શંકરભાઇ તળપદા ( રહે. રણછોડ નગર, સમા) ને ઝડપી પાડયો હતો. જ્યારે નટુભાઇ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યા છે.
નવાપુરા આશાપુરી કોમ્પ્લેક્સ નીચે બેસીને એક શખ્સ વિદેશી દારૃનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા નવાપુરા પોલીસ ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પરથી આરોપી હિતેશ કાળુ નરેન્દ્રભાઈ કનોજીયા રહેવાસી આશાપુરી કોમ્પ્લેક્સ નવાપુરા મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૃની ચાર બોટલ કબજે કરી છે.
અન્ય એક બનાવમાં વારસિયા પોલીસે આરોપી રવિ ઉર્ફે મજનુ વ્રજેશકુમાર પરીખ રહેવાસી વલ્લભવિહાર ફ્લેટ પરિવાર સ્કૂલની સામે આજવા રોડને વિદેશી દારૃની એક બોટલ સાથે ઝડપી પાડયો હતો.