જીઇબી નજીકથી એક કિલો ગાંજાના જથ્થા સાથે બે પકડાયા
શહેરમાં પણ નશીલા પદાર્થોની હેરાફેરી વધી
૪૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો : પડીકી બનાવી ગાંધીનગરમાં વેચાણ કરવાનું હતું
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં પણ હવે નશીલા પદાર્થોની હેરાફેરી વધી ગઈ છે ત્યારે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા જીઇબી પાસેથી મોપેડ ઉપર બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી એક કિલો કરતાં વધુ ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ૪૭ હજાર જેટલો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
હાલમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોને
હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે તેને અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ
કરવામાં આવી રહી છે. ગાંધીનગરના સેક્ટર ૨૧ પોલીસની ટીમ જીઇબી વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જીઇબી નજીક
ડમ્પિંગ સાઇટ પાસેથી એક મોપેડ ઉપર સવાર બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં
તેમની પાસે રહેલા થેલામાં તપાસ કરતાં એક કિલો કરતાં વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો
હતો. જેના પગલે આ શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તે ગાંધીનગર સેક્ટર ૨૬ કિસાન નગરમાં
રહેતા દિવ્યરાજસિંહ વિરેન્દ્રસિંહ રાઠોડ અને પેથાપુર મોટી શેરી ખાતે રહેતો
વિજયસિંહ ભુપતસિંહ ડાભી હોવાનું બહાર આવ્યું હતું. જે જથ્થા સંદર્ભે પૂછપરછ
કરવામાં આવતા તેમણે કબૂલાત કરી હતી કે ઈડર ખાતે રહેતા રમો નામના વ્યક્તિ પાસેથી ૧૫
હજાર રૃપિયામાં આ ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને તેની પડીકીઓ બનાવીને
ગાંધીનગરમાં ગ્રાહકોને વેચવાનું આયોજન હતું. જોકે હાલ પોલીસ દ્વારા બંને શખ્સોની
ધરપકડ કરીને ૪૭ હજાર ઉપરાંતનો મુદ્દા માલ કબજે કરીને વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી
છે.