મોબાઈલ ટાવરમાંથી 4જી સિસ્ટમના સ્પેરપાર્ટસ ચોરનાર બે પકડાયા
ગાંધીનગર નજીક પ્રાંતીયા ગામ પાસે
એલસીબીની ટીમ દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતાં કંપનીના કર્મચારીને પણ પકડી લેવાયો : અન્ય એકની શોધખોળ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ કંપનીઓના મોબાઇલ ટાવરમાંથી સ્પેરપાર્ટસ ચોરાવાની ઘટના વધી રહી છે ત્યારે પ્રાતીયા ગામમાં ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪જી સિસ્ટમના સ્પેરપાર્ટ ચોરનાર કોન્ટ્રાક્ટ કર્મચારી સહિત બેને એલસીબીની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને તેમના અન્ય સાગરીતની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ છે
ત્યારે છેલ્લા થોડા સમયથી મોબાઇલ ટાવરોમાંથી કિમતી સ્પેરપાર્ટસની પણ ચોરીના કિસ્સા
બહાર આવ્યા છે. તાજેતરમાં જ ડભોડા પંથકના પ્રાંતીયા ગામમાં આવેલા મોબાઈલ ટાવર
માંથી ૪જી સિસ્ટમના સ્પેરપાર્ટ ચોરાયા હતા. જે સંદર્ભે ડભોડા પોલીસ મથકમાં ગુનો પણ
દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા
માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી અને આ દરમિયાન બાતમીના આધારે નાના ચિલોડાથી મોટા
ચિલોડા તરફ જતા નેશનલ હાઇવે ઉપર આવેલ કરાઇ નર્મદા કેનાલના બ્રીજ પાસેથી ઉત્તમકુમાર
કેશરાજ શર્મા અને મોહમ્મદઆરીફ મોહમ્મદઆલમ રાણા રહે. મ.નં - ઇ/૨૪, ન્યુ શ્રીનાથ
એપાર્ટમેન્ટ, બુટ
ભવાની, વેજલપુર
અમદાવાદ મુળ રહે. કાંજલી ગામ,
કટારા ગામની પાસે, થાના -
રીયાસી તા.જી.રીયાસી, જમ્મુ
એન્ડ કાશ્મીર ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૪જી સિસ્ટમના સ્પેરપાર્ટસ મળી
આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરવામાં આવતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેના પગલે
પોલીસે કડકાઈથી પૂછતા તેમણે પ્રાતીયા ગામ ખાતે આવેલા મોબાઈલ ટાવરમાંથી ચોરી
કર્યાની કબુલાત કરી હતી અને આ ચોરીમાં તેમની સાથે શહેજાદ નામનો સાગરીત પણ સામેલ
હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે,
ઉત્તમ શર્મા મોબાઇલ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતો હતો અને ટાવરની તમામ
કામગીરીથી વાકેફ હોવાથી રીપેરીંગના બહાને પ્રવેશ કરીને ચોરીના ગુનાને અંજામ આપતો
હતો. હાલ આરોપીઓની પૂછપરછમાં વધુ ગુના ઉકેલાવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.