વડોદરા હાઇવે પર કારમાં 95 કિલો ગાંજા સાથે બે કેરિયર પકડાયા,12 લાખની મત્તા કબજે
ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ હરણી પોલીસને મળી સફળતા
વડોદરાઃ વડોદરા પોલીસને ડ્રગ્સ બાબતે આજે વધુ એક સફળતા હાથ લાગી છે.હાઇવે પર પોલીસે એક કારને આંતરી ૯૫ કિલોથી વધુ ગાંજો કબજે કર્યો છે.મોડી સાંજે બે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વડોદરા પોલીસ મિશન ક્લિન હેઠળ ડ્રગ્સ અંગે લોકજાગૃતિની સાથે સાથે ડ્રગ્સ પેડલર્સ અને નશાના બંધાણીઓ પર પણ નજર રાખવાનું કામ કરી રહી છે.જેને કારણે વારંવાર ડ્રગ્સ પકડાવાના બનાવ બની રહ્યા છે.
આજે ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ ડ્રગ્સ બાબતે વોચ રાખતી હરણી પોલીસને આવી જ રીતે મોટી સફળતા મળી છે.પીઆઇ સી બી ટંડેલ અને ટીમે ગોલ્ડન ચોકડી નજીક હાઇવે પર આજે એક કારને આંતરી તપાસ કરતાં અંદરથી રૃ.૯.૫૦ લાખ ઉપરાંતની કિંમતનો ૯૫ કિલોથી વધુ ગાંજો મળી આવ્યો છે.
પોલીસે બે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડી તેમની ઓળખ તેમજ ગાંજાના નેટવર્ક વિશે પૂછપરછ હાથ ધરી છે.પોલીસે એક કાર અને મોબાઇલ મળી કુલ રૃ.૧૨ લાખ જેટલી મત્તા કબજે કરી બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.પકડાયેલાઓમાં ડ્રાઇવર ઉસ્માનમીયા નુરૃમીયા મલેક (ચંડાેલા તળાવ,અમદાવાદ) અને રમેશજી ઠાકોર(વીજાપુર,મહેસાણા) હોવાનું ખૂલ્યું છે.
પોર પાસે ગાંજાની ડિલિવરી અપાઇ, અમદાવાદ લઇ જવાનો હતો
વડોદરા હાઇવે પર પકડાયેલો ગાંજાનો જથ્થા વિશે પ્રાથમિક તબક્કે પોર પાસે ડિલિવરી આપવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.ગાંજાનો જથ્થો કોણ આપી ગયું હતું તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.આ જથ્થો અમદાવાદ પહોંચાડવાનો હોવાની પણ માહિતી મળી છે.હરણી પોલીસ ગાંજાના નેટવર્ક વિશે વધુ તપાસ કરી રહી છે.