તાંદલજા અને ગોત્રીમાં બે સ્થળે દરોડા, ગાંજો વેચતા બે કેરિયર પકડાયાઃબે સપ્લાયર વોન્ટેડ
વડોદરાઃ તાંદલજા અને ગોત્રીમાં પોલીસે બે સ્થળે દરોડા પાડી ગાંજો વેચતા બે કેરિયરને ઝડપી પાડયા હતા.પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી બે સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા છે.
તાંદલજાના બીનાનગર ખાતે રોશન ફ્લેટમાં રહેતો ફેસલ ઉર્ફે માંજરો અબ્બાસ પટેલ પોતાના ફ્લેટમાં ગાંજાની પડીકીઓ બનાવી વેચાણ કરતો હોવાની વિગતોને પગલે એસઓજીના પીઆઇ વી એસ પટેલ અને ટીમે દરોડો પાડયો હતો.
પોલીસે ફેસલને ઝડપી પાડી રૃમમાં તપાસ કરતાં રૃ.૧૯૮૦૦ની કિંમતનો ૧.૯૮૬ કિલો ગાંજો,ડિજિટલ વજનકાંટો અને બે મોબાઇલ મળી આવ્યા હતા.ગાંજો ઝુબેર પટેલ(પત્રકાર કોલોની,તાંદલજા) પાસે ત્રણ મહિનાથી મંગાવતો હોવાની અને બનાવના દિવસે સવારે જ ઝુબેર ગાંજો આપી ગયો હોવાની વિગતો ખૂલતાં તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
આવી જ રીતે ગોત્રી પોલીસે મળેલી માહિતીને આધારે ક્રિસ્ટલ પ્રમુખ પાસે ક્રિષ્ણા રેસિડેન્સીમાં દરોડો પાડી રણજિત ઉર્ફે ટીનો રાજેન્દ્ર પરમારને દબોચી લીધો હતો.પોલીસે તેની પાસેથી રૃ.૧૬ હજારની કિંમતનો ૧.૬૦૦ કિલો ગાંજો કબજે કર્યો હતો.પૂછપરછ દરમિયાન આ જથ્થો પાદરા તાલુકાના વડુ ખાતે રહેતા સલિમ બાપુ પાસેથી લાવ્યો હોવાની વિગતો ખૂલતાં પોલીસે સપ્લાયરની તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત રણજિતનો મોબાઇલ પણ કબજે લઇ તેની કોલ્સ ડીટેલ પરથીવધુ વિગતો મેળવવામાં આવી રહી છે.