સમલૈંગિકને સૂમસામ જગ્યાએ લઇ જઇ ધમકાવી લૂંટ કરનાર બે ભાઇઓ ઝડપાયા

સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી મળવાના બહાને બોલાવી લૂંટ ચલાવી

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
સમલૈંગિકને સૂમસામ જગ્યાએ લઇ જઇ ધમકાવી લૂંટ કરનાર બે ભાઇઓ ઝડપાયા 1 - image

 વડોદરા,સોશિયલ મીડિયા પર મિત્રતા કરી સમલૈંગિકને મળવા બોલાવી સૂમસામ જગ્યા પર લઇ જઇ ધમકાવી લૂંટ કરનાર બે ભાઇઓને ડીસીબી  પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

છાણી વિસ્તારમાં રહેતા અને  નોકરી કરતા સમલૈંગિક યુવકે  જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨ જી ઓક્ટોબરે બપોરે બાર વાગ્યે ગ્રાન્ડર એપ્લિકેશનમાં મારે એક વ્યક્તિ સાથે પરિચય થયો હતો. જે વ્યક્તિ બીજે દિવસે મારી ઓફિસના નીચે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, આપણે આગળ જઇને વાતચીત કરીએ. જેથી,હું મારૃં સ્કૂટર લઇને તેની બાઇકની પાછળ  ગયો હતો. અમે બંને મુજમહુડા સુવેજ  પંપ પાસે સાંજે પાંચ વાગ્યે ઉભા રહીને વાતો કરતા હતા. અમે થોડીવાર વાતચીત કરી હતી. તે જગ્યા સૂમસામ  હોવાથી હું ત્યાંથી નીકળીને આગળ જતો હતો. પરંતુ, તેણે મને પકડી લીધો હતો. તેણે મને ધમકી આપી કહ્યું કે, તારી પાસે જે પૈસા  હોય તે મને આપી દે. નહીંતર  હું તને છોડીશ નહીં. તેણે  મને ધમકાવીને માર માર્યો હતો. થોડીવારમાં તેનો સાગરિત આવી ગયો હતો. તેણે પણ મને માર માર્યો હતો. તેઓએ મારી સાથે મારઝૂડ કરી ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢી લીધો હતો. તેઓએ મને ધમકાવી મારા એટીએમ કાર્ડનો પીન નંબર મેળવી દોઢ હજાર ઉપાડી લીધા હતા. તેઓએ મને ધમકી આપી હતી કે, કોઇને કહીશ તો તને જાનથી મારી નાંખીશું. આરોપીઓ મારી પાસેથી મોબાઇલ ફોન મળીને કુલ  રૃપિયા ૧૪,૫૭૦ ની મતા લૂંટી ગયા હતા. જે અંગે  પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ડીસીબી પોલીસે બાઇકના નંબર અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી લૂંટ કરનાર બે ભાઇઓને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી લૂંટનો સામાન અને બાઇક મળી કુલ રૃપિયા ૪૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News