ગાજરાવાડીમાં મજાક મસ્તીમાં ઝઘડો થતા બે ભાઇઓ પર ચાકૂના ઘા ઝીંકી દીધા
સામે પક્ષે લોખંડની પાઇપથી હુમલો કર્યો : બંને પક્ષની સામસામે ફરિયાદ
વડોદરા,ગાજરાવાડી વિસ્તારમાં મજાક મસ્તીમાં બે પરિવાર વચ્ચે ઝઘડો થતા ચપ્પુ અને પાઇપથી સામ સામે હુમલો કરવામાં આવ્યો હતો. પાણીગેટ પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાજરાવાડી પાણીની ટાંકી પાછળ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતો રહેતો રાજેશ રયજીભાઇ રાવળ કપુરાઇ ચોકડી પાસે રાધા પેટ્રોલ પંપ પર સીએનજી સ્ટેશનમાં નોકરી કરે છે. તેમજ સયાજી હોસ્પિટલમાં હાઉસ કીપિંગ તરીકે પાર્ટ ટાઇમ નોકરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું મારા ઘરે હતો. મારો નાનો ભાઇ દશરથ નોકરી પર ગયો હતો. મારી માતા તારાબેન અને ભાઇ ઓમ ઘરની બહાર ખાટલો નાંખી આરામ કરતા હતા.મારો ભાઇ ઓમ મારી દીકરીને લઇને ખાટલા પર બેઠો હતો. રાતે દશ વાગ્યે અમારા ઘરની સામે રહેતો પ્રતિક રમેશભાઇ ચૌહાણ મારી મમ્મીના ખાટલા પાસે આવીને મસ્તીમાં તેનું નાક દબાવ્યું હતું. મારી માતાએ તેને ઠપકો આપતા તે મારી માતાને ગાળો બોલવા લાગ્યો હતો. પ્રતિક તેના ઘરમાંથી ચપ્પુ લઇને દોડી આવી મારા ભાઇ ઓમને છાતીની ડાબી બાજુ ઘા મારી દીધા હતા. હું પ્રતિકને પકડવા જતા તેણે મને પણ છાતીની ડાબી બાજુ ઘા મારી દીધો હતો.પ્રતિકના કાકા વિજય ચૌહાણે લોખંડની પાઇપનો ફટકોે ઓમને ડાબા પગે મારી દીધો હતો. મારી માતા દોડી આવી હતી. તેને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને અમને બચાવ્યા હતા.
જ્યારે સામા પક્ષે પ્રતિક ચૌહાણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં મસ્તીમાં તારાબેનનું નાક દબાવતા તેઓએ ઉશ્કેરાઇને મને ગાળો બોલવા લાગ્યા હતા. તેમના દીકરા રાજેશે મારા પર પાઇપથી હુમલો કર્યો હતો. હું ચપ્પુ લઇને આવતા રાજેશ અને તેના ભાઇને વાગી ગયું હતું. તારાબેનના પતિએ પાઇપ વડે મારા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મારા કાકાને પણ તેમણે પાઇપ મારી દેતા માથામાં ઇજા થઇ હતી.