યુવતીના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરતી મેવાતી ગેંગના બે ભાઇ પકડાયા
વડોદરાના યુવકને ફસાવી રૃ.૩.૩૩ લાખ પડાવતાં સાયબર સેલે રાજસ્થાન જઇ દબોચી લીધા
વડોદરાઃ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી યુવતીનો ન્યૂડ વીડિયો બતાવી એડિટિંગ કરેલા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં માહેર મેવાતી ગેંગ ફરી એક વાર ચમકી છે.વડોદરાના એક યુવકને બ્લેકમેલ કરનાર ગેંગના બે સાગરીતને સાયબર સેલે રાજસ્થાનના એક ગામમાંથી ઝડપી પાડયા છે.
વડોદરાના એક યુવકને ગઇ તા.૨૮મી નવેમ્બરે રાતે ૧૧ વાગે અદિતિ અગ્રવાલના નામે એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી.જે તેણે સ્વીકારતાં સામેથી મેસેન્જર પર કોલ આવ્યો હતો અને યુવતીએ સામાન્ય વાતચીત કરી હતી.ત્યારબાદ યુવતીએ વોટ્સએપ નંબર લીધો હતો અને વીડિયો કોલ કરી વાત કરી હતી.
હકિકતમાં યુવતીના અવાજમાં યુવક વાત કરી રહ્યા હતા અને તેઓ ડાઉનલોડ કરેલો ન્યુડ વીડિયો બતાવી રહ્યા હતા.થોડી જ વારમાં યુવકનો ન્યૂડ વીડિયો બનાવી દીધો હતો અને આ વીડિયો જાહેર ના કરવો હોય તો રૃપિયા જોઇશે તેમ કહી ટુકડે ટુકડે રૃ.૩.૩૩લાખ પડાવી લીધા હતા.ત્યારપછી પણ તેમણે સીબીઆઇના નામે ધમકી આપતાં આખરે યુવકે સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાને ફરિયાદ કરી હતી.
સાયબર સેલના પીઆઇ બીરેન પટેલ અને ટીમે રૃપિયા જમા થયા તે એકાઉન્ટ તેમજ અન્ય ટેકનિકલ સોર્સથી તપાસ કરતાં રાજસ્થાનના દૌસા જિલ્લામાં મંડાવર નજીકના કોટ ગામની વિગતો ખૂલી હતી.જેથી સાયબર સેલની ટીમે રાજસ્થાન પોલીસને સાથે રાખી દરોડો પાડી સાજીદખાન જાહુલખા અને માજીદખા જાહુલખા નામના ૨૧ અને ૧૮ વર્ષના બે ભાઇઓને દબોચી લીધા હતા.બંને પાસે મહત્વની વિગતો ખૂલતાં તેમને પાંચ દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
મેળ ના ખાય તો CBIના ઓફિસર તરીકે કેસ કરવાની ધમકી આપતા હતા
ન્યૂડ વીડિયો કે બીજીકોઇ રીતે ફસાયેલી વ્યક્તિ રૃપિયા આપવા તૈયાર ન થાય તો છેલ્લે બંને ભાઇઓ સીબીઆઇના ઓફિસર તરીકે વાત કરતા હતા અને કેસ કરવાની ધમકી આપી રૃપિયા પડાવતા હોવાની વિગતો બહાર આવી છે.આ ઉપરાંત તેઓ સિમકાર્ડ વેરિફિકેશનના નામે પણ લોકોને ફસાવતા હોવાની વિગતો બહાર આવી છે.
ડમી સિમકાર્ડનો ખેલ,ફેક એકાઉન્ટ બનાવી ન્યૂડ વીડિયો ડાઉનલોડ કરતા હતા
ઠગ ટોળકી દ્વારા ડમી સિમકાર્ડને આધારે બધો ખેલ કરવામાં આવતો હોવાની માહિતી બહાર આવી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને ભાઇઓ ડમી સિમકાર્ડ મેળવ્યા બાદ સિમકાર્ડ વેરિફિકેશનના નામે કોઇને ફોન કરતા હતા.જે વ્યક્તિ તેમની જાળમાં ફસાય ેતેનું વોટ્સએપ લોગિન કરી લેતા હતા અને પછી સારી છોકરીઓના ફોટા ડાઉનલોડ કરી ફેસબુક પર ડમી એકાઉન્ટ બનાવતા હતા.
કોટ ગામના જ મિત્રો પાસે 6 મહિના ટ્રેનિંગ લીધી
15ટકા કમિશન નક્કી કરી બેન્ક એકાઉન્ટ લીધા
ઓનલાઇન ઠગાઇ કરવામાં માહેર મેવાતી ગેંગ પાસે બંને ભાઇઓએ ઓનલાઇન ઠગાઇની ટ્રેનિંગ લીધી હોવાની વિગતો બહાર આવી છે.
સાયબર સેલના એસીપીએ કહ્યું હતું કે, બંને યુવકો અભ્યાસ કરી રહ્યા છે અને અનેક મિત્રો ઓનલાઇન ઠગાઇનું કામ કરતા હોવાથી તેઓ પણ તૈયાર થયા હતા.
આ માટે તેમણે મિત્રો પાસે છ મહિના ટ્રેનિંગ લીધી હતી અને કેવી રીતે લોકોને ધમકી આપી રૃપિયા પડાવવા તે શીખી કામ શરૃ કર્યું હતું.તેમણે ૧૫ ટકા કમિશન નક્કી કરી બેન્ક એકાઉન્ટ ભાડે લીધા હોવાનું જાણવા મળ્યું છે.
મેવાતી સાગરીતોને પકડવા રાજસ્થાનના કોટ ગામમાં
સાયબરની ટીમને ટોળાંએ ઘેરી ,દરવાજો તોડી પકડયા
વડોદરા પોલીસ કમિશનરે રાજસ્થાનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરતાં કાફલો પહોંચ્યો
મેવાતી સાગરીતોને પકડવા ગયેલી વડોદરા સાયબર સેલની ટીમને રાજસ્થાનના કોટ ગામે મહિલાઓ સહિતના ટોળાંએ ઘેરી લેતાં ઉત્તેજના વ્યાપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરાના યુવક સાથે ન્યૂડ વીડિયોના નામે ઠગાઇ કરનારા ગુનેગારો રાજસ્થાનના દૌસા જિલ્લાના કોટ ગામના હોવાની વિગતો ખૂલતાં સાયબર સેલના પીઆઇ એ એમ ગઢવી,પીએસઆઇ આર કે ચાવડા અને ટીમ કોટ ગામે પહોંચી હતી.
સાજીદ અને માજીદ નામના બંને ભાઇઓને પકડવા જતાં મહિલાઓ સહિતના ટોળાંએ પોલીસને ઘેરી લીધી હતી.સાયબર સેલના એસીપીએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતને જાણ કરતાં તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી તાત્કાલિક વધુ કુમક મોકલી હતી.જેથી પોલીસને દરવાજો તોડીને બંને ભાઇઓને પકડવામાં સફળતા મળી હતી.