વિદેશી દારૃની હેરાફેરીમાં સામેલ બે બૂટલેગરને પાસા
હેમંત અગાઉ છ વખત પાસામાં જઇ આવ્યો છે
વડોદરા,વિદેશી દારૃની હેરાફેરીમાં સામેલ બે બૂટલેગરની ડીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર તથા રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણીની સામે માંજલપુર, મકરપુરા, સિટિ તથા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હતા. તાજેતરમાં તમામ ગુનાઓમાં જામીન પર મુક્ત થયેલા હેમંત ઉર્ફે બાબુની પાસા દરખાસ્ત ડીસીબી પી.આઇ.એ તૈયાર કરીને મોકલતા પોલીસ કમિશનર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. હેમંત ઉર્ફે બાબુની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. બાબુ સામે પ્રોહિબિશન, ચોરી મળીને કુલ ૨૫ ગુનાઓ દાખલ થયા છે. અગાઉ છ વખત તેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
જ્યારે અન્ય એક આરોપી રવિ નાઉમલ કુકરેજા ( રહે. માધવ નગર, આજવા રોડ) ની તાજેતરમાં પાણીગેટ અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.