વડોદરામાં અછોડાતોડ ઝળક્યા : મહિલાની બે તોલા સોનાની ચેન તોડી બે બાઈક સવાર ફરાર
Chain Snatching in Vadodara : વડોદરાના વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા તરફ ઇવનિંગ વોકમાં નીકળેલા બી.આઈ.ડી.સીની ખાનગી કંપનીમાં આસી.મેનેજર અને તેની પત્ની સહિત ત્રણ જણા નીકળ્યા હતા. રાત્રે પાછળથી બાઈક પર આવેલા માસ્કધારી બે લૂંટારા પૈકી પાછળ સવાર આરોપીએ મહિલાના ગળામાંથી બે તોલા સોનાની ચેન તોડી લેતા બાઈક ચાલકે યુ-ટર્ન લઈને પૂર ઝડપે બાઈક ભગાવીને બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસની વિગત એવી છે કે ગોરવા બી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર હરેન્દ્ર પટેલ ફરજ બજાવે છે તેમની પત્ની હેમલબેન અને પિતરાઈ દીયર દક્ષેશ પટેલ સહિત ત્રણે જણા જમી પરવારીને રાત્રે ઇવનિંગ વોકમાં નીકળ્યા હતા. વાઘોડિયા રોડ પુનમ કોમ્પ્લેક્સ પાસેની પ્રમુખસ્વામી ટાઉનશીપના ઘરેથી નીકળ્યા હતા. ત્રણેય જણા ઉમા ચાર રસ્તાથી કલાદર્શન તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે પોણા દસ વાગ્યાના સુમારે મોઢે બુકાનીધારી બે જણા બાઈક પાછળથી ધસી આવ્યા હતા. બાઈક પાછળ સવાર લૂંટારૂ આરોપીએ મહિલાના ગળામાંથી બે તોલા સોનાની ચેન ખેંચીને તોડી લેતા ચાલક આરોપીએ નજીકથી વળાંક લઈ ઝડપે બાઈક ભગાવી બંને જણા ફરાર થઈ ગયા હતા. બુમાબુમ થતા આસપાસના રહીશો ધસી આવ્યા હતા. બનાવ અંગે મહિલા હેમલબેન પટેલે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.