રિક્ષા ચોરી કરી જતા બે રૃપાલથી ઝડપાયા : પાંચ ગુનાનો ભેદ ખુલ્યો
ગાંધીનગર અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં
બનાવટી દસ્તાવેજોથી રિક્ષાને વેચી મારી તો અન્ય બિનવારસી હાલતમાં મૂકી દીધી : પૂછપરછમાં વધુ ગુના ઉકેલવાની વકી
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વાહનચોરીના
બનાવો વધ્યા છે અને ખાસ કરીને જાહેર સ્થળો ઉપર વાહનો ખૂબ જ ચોરાઈ રહ્યાં છે ત્યારે
આ સ્થિતિમાં પોલીસ દ્વારા તેનો ભેદ ઉકેલવા માટે દોડધામ કરવામાં આવી રહે છે અને
અગાઉ પકડાયેલા વાહન ચોરોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. ગાંધીનગર એલસીબીની ટીમ
પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રૃપાલ ખાતે બે રીઢા ચોર આવ્યા છે.
જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી
અને પ્રકાશ અરજણભાઈ વણઝારા રહે રૃપાલા તેમજ તેના સાગરિત જગદીશ કનુભાઈ પાટડીયા રહે, ગોતા હાઉસિંગ
અમદાવાદને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, તેમણે સેક્ટર ૭
પોલીસના વિસ્તારમાંથી બે રિક્ષા ચોરી હતી જ્યારે અમદાવાદના સોલા,ચાંદખેડા અને
બોપલમાંથી રીક્ષા ચોરી હતી. અગાઉ એક રીક્ષા ખોટા દસ્તાવેજ બનાવીને બારોબાર વેચી
દીધી હતી તો અન્ય બે રીક્ષા બિનવારસી હાલતમાં છોડી દીધી હતી.
એટલું જ નહીં પોલીસ દ્વારા હવે તેમને મદદ કરનાર આરોપીઓની પણ
શોધખોળ શરૃ કરવામાં આવી છે. પ્રકાશ વણઝારા આગળ બે વખત રીક્ષા ચોરીના ગુનામાં
ઝડપાયો હતો અને જેલમાંથી છૂટયા બાદ ફરીથી ચોરી કરવાનું શરૃ કર્યું હતું.