યુવાન સાથે ૪૯.૩૪ લાખની ઠગાઇ કરનાર બે સાયબર ઠગો ઝડપાયા
પનવેલના બે ભેજાબાજોએ રૃા.૪૯.૩૪ લાખ પડાવી રૃા.૮૦.૫૨ લાખની લાલચ આપી હતી ઃ બંનેને બે દિવસના રિમાન્ડ
વડોદરા, તા.14 વેબસાઇટ પર ઓનલાઇન રેટિંગની જોબ આપી ઉંચું વળતર આપવાનું જણાવી વડોદરાના યુવાન સાથે રોકાણ કરાવી રૃા.૪૯.૩૪ લાખની છેતરપિંડી કરતા બે સાયબર ભેજાબાજોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી બંનેના બે દિવસના રિમાન્ડ લીધા છે.
આ અંગેની વિગત એવી છે કે પ્રતિક પંકજભાઇ પટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી કે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરવાના બહાને વેબસાઇટ પર ઓનલાઇન રેટિંગની જોબ આપવાનું મને જણાવાયું હતું. જેમાં ઉંચા વળતરની લાલચ આપી મારી પાસે કુલ રૃા.૪૯.૩૪ લાખ ભરાવ્યા હતા અને તેની સામે મને કુલ રૃા.૮૦.૫૨ લાખ વળતર આપવાનું જણાવ્યું હતું પરંતુ વળતર નહી આપી મારી સાથે છેતરપિંડી કરી હતી.
ઉપરોક્ત ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ધોરણ-૧૦ અભ્યાસ કરેલ રાહુલ અજીત શહા (રહે.શ્રીરામ એવન્યુ, કાકાજીની વાડી, ન્યૂ પનવેલ, નવી મુંબઇ) અને ધોરણ-૯ પાસ રાજ છઠ્ઠીલાલ વર્મા (રહે.કેદાર સીએચએસ. સેક્ટર ૨૧, પનવેલ, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે રાજ વર્માએ શુભમ ટ્રેડિંગ નામનું બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તેની કીટ રાહુ શહાને આપી દીધી હતી. ઠગાઇના પૈસા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવાતા હતાં. જ્યારે રાહુલ પોતે એજન્ટ તરીકે કામ કરતો હતો શુભમ ટ્રેડિંગનું એકાઉન્ટ ખોલાવ્યા બાદ કમિશન પેટે મોટી રકમ તે લેતો હતો.
સાયબર ક્રાઇમે સાત ચેક બુક, ૩ મોબાઇલ, ૬ પાસબુક, ૧૧ સ્ટેમ્પ અને ૨ સ્ટેમ્પ પેડ, ૪ ડેબિટકાર્ડ તેમજ અન્ય કંપનીના ડોક્યૂમેન્ટ કબજે કરી વધુ પૂછપરછ માટે બંનેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.