બોરસદ ખાતેથી ગેરકાયદે ગૌવંશની કતલ કરતા બે ઝડપાયા : ચાર ફરાર
બાતમીના આધારે પોલીસે રેડ પાડી
છરા, કુહાડી સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
આણંદ: બોરસદ શહેર પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે બોરસદના રબારી ચકલાના કુરેશી મહોલ્લા ખાતે ઓચિંતો છાપો મારી ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરતા બે શખ્શોને ઝડપી પાડયા હતા. જ્યારે ચાર શખ્શો ફરાર થઈ જવા પામ્યા હતા.
બોરસદ શહેર પોલીસની ટીમ આજે વહેલી સવારના સુમારે પેટ્રોલીંગમાં હતી દરમ્યાન રબારી ચકલાના કુરેશી મહોલ્લામાં ગૌવંશની કતલ થતી હોવાની બાતમી મળતા પોલીસની ટીમે કુરેશી મહોલ્લા ખાતે ઓચિંતો છાપો માર્યો હતો.
જેમાં કેટલાક શખ્શો એકત્ર થઈ ગૌવંશની કતલ કરતા હોવાનું નજરે પડયું હતું. જો કે પોલીસને જોતાં જ ચાર શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે ઘટનાસ્થળેથી મુમતાઝ ઉર્ફે ચાંદ અબ્બાસખાન કુરેશી (રહે. ફતેપુર, અબુબકર મસ્જિદ પાસે, બોરસદ) અને નબીભાઈ કાદરભાઈ કુરેશી (રહે.રબારી ચકલા, બોરસદ)ને ઝડપી પાડયા હતા. ફરાર થઈ ગયેલ શખ્શોમાં મહંમદઆરીફ ઉર્ફે ગોવિંદા સાબીરભાઈ કુરેશી, દિલાવર મહેમુદ કુરેશી, જાવેદ કાલુભાઈ કુરેશી અને અક્રમભાઈ કાલુભાઈ કુરેશી (તમામ રહે. રબારી ચકલા, કસાઈ વાડા, બોરસદ)નો સમાવેશ થાય છે.
પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા સ્થળ પરથી એક કાળા કલરની જીવીત ગાય જ્યારે એક મૃત ગાય અને વાછરડું મળી આવ્યા હતા.
પોલીસે પશુઓ તથા એક ટેમ્પી, મોબાઈલ, નાના મોટા છરાં નંગ-૧૭, ત્રણ કુહાડી, વજન કાંટો અને દોરડું મળી કુલ્લે રૂા.૮૨૨૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર શખ્શોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.