વૃદ્ધને પોલીસ કેસની ધમકી આપી 1.90 લાખ પડાવનાર બે પકડાયા
તમારી કારે અકસ્માત સર્જ્યો છે કહીને
પોલીસ દ્વારા ગુનામાં વપરાયેલું મોપેડ પણ કબજે કરવામાં આવ્યું : અમદાવાદના બે આરોપીની સઘન પૂછપરછ
રાંદેસણમાં આવેલી પ્રમુખ રેસીડેન્સીમાં રહેતા મહેન્દ્રભાઈ
ગોપાલજી ધ્રાંગધરીયા તેમની કાર લઈને બેંકમાં કામ અર્થે ગયા હતા અને પરત ઘર તરફ જઈ
રહ્યા હતા ત્યારે ઘર નજીક આવેલી હોસ્પિટલ ચાર રસ્તા પાસે કાર સાથે કંઈ અથડાયાનો
અવાજ આવ્યો હતો. જો કે તેમણે જોયું હતું પરંતુ કહી દેખાતું નહોતુ દરમિયાનમાં ઘર
નજીક પહોંચ્યા ત્યારે પાછળથી મોપેડ ઉપર બે
શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તેમના ઊભા રાખીને તમારી કારે અકસ્માત સર્જ્યો છે
તેમ કહ્યું હતું. જે પૈકી એક શખ્સે ઈજા થઈ હોવાથી હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું
નહીંતર પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ કારમાં એક શખ્સ બેસી ગયો હતો અને
બીજો મોપેડ લઈને પાછળ પાછળ આવ્યો હતો જ્યાં સેક્ટર ૬માં આવેલી હોસ્પિટલ પાસે ઊભા
રહ્યા હતા. જ્યાં ઘાયલ થયાનું કહેનાર યુવાન હોસ્પિટલની અંદર ગયો હતો અને ત્યારબાદ
તબીબ સાથે વાત કરાવીને ૧.૭૦ લાખ ખર્ચો થશે તેમ કહ્યું હતું. જેથી પોતાનું નામ
સંદીપ ઠાકોર અને ઇસ્માઈલ હોવાનું જણાવીને આ શખ્સોએ ૪૦ હજાર એટીએમમાંથી પડાવી લીધા
હતા અને ત્યારબાદ ૧.૫૦ લાખ રૃપિયાનો ચેક મેળવી લીધો હતો.જોકે ફોન કરીને વધુ ૭૦
હજારની માગણી કરતા વૃદ્ધને શંકા ગઈ હતી અને ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ
કરાવ્યો હતો. જેના પગલે પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ અમદાવાદના પ્રેમ દરવાજા
પાસે તેલીમિયાં મીલની ચાલીમાં રહેતા દિપક અશોકભાઈ રાઠોડ અને સાળંગપુરના મહેશ
નાનજીભાઈ ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી ગુનામાં વપરાયેલું મોપેડ
પણ કબજે કરીને વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે.