મોપેડની ડીકી તોડી ૧.૯૮ લાખ પડાવી લેનાર બે ઝડપાયા
આંગડિયા પેઢીમાંથી રૃપિયા ઉપાડી મોપેડની ડીકીમાં મૂક્યા હતા
વડોદરા,મોપેડની ડીકી તોડી રોકડા ૧.૯૮ લાખ ચોરી જનાર બે આરોપીઓેને નવાપુરા પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૧.૩૦ લાખ કબજે કર્યા છે.
તરસાલી હરિનગર સોસાયટીમાં રહેતા દિનેશભાઇ મણીભાઇ મિસ્ત્રી મકરપુરા જી.આઇ.ડી.સી.માં સહકાર ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૪ થી તારીખે કંપનીના માલિક પ્રિતમ સપકાલના કહેવાથી સાધના ટોકીઝની ગલીમાં આવેલ પટેલ મહેન્દ્રભાઇ સોમાભાઇની આંગડિયા પેઢીમાં રોકડા ૧.૯૮ લાખ લેવા માટે ગયો હતો. રોકડા રૃપિયા રૃમાલમાં બાંધી મોપેડની ડીકીમાં મૂક્યા હતા.ત્યારબાદ હું કંપનીનું પાર્સલ આપવા માટે સાંજે સાડા છ વાગ્યે કાશી વિશ્વનાથ મંદિર નજીક પેલેસ પ્લાઝા રાજમહેલ રોડ પાસે હંસ ટ્રાવેલ્સની બહાર રોડ પર મોપેડ પાર્ક કરીને ગયો હતો. હું પરત આવ્યો ત્યારે મોપેડની ડીકી ખુલ્લી હતી અને તેમાંથી રોકડા રૃપિયા ગૂમ હતા. દરમિયાન નવાપુરા પોલીસે વસીમખાન યુસુફખાન પઠાણ તથા આફતાબ સરતાજભાઇ પઠાણ ( બંને રહે. કાસમઆલા કબ્રસ્તાન મસ્જિદની ગલીમાં,કારેલીબાગ)ને ઝડપી પાડયા છે. પોલીસે ૧.૩૦ લાખ કબજે કર્યા છે.