વડોદરા નજીક પોર ખાતે 1000 ઉદ્યોગોમાં 8 વર્ષથી રોજ અઢી થી ત્રણ કલાકનો વીજ કાપ
ઉદ્યોગ સંચાલકો રજૂઆતો કરીને થાક્યા, રોજ ચારથી પાંચ વખત લાઇટો જતી રહે છે, 1000 ઉદ્યોગોને વર્ષે 480 કરોડનું નુકસાન
વડોદરા : દેશના આર્થિક વિકાસમાં જેમનો મહત્તમ ફાળો છે એવા લઘુ અને મધ્યમ ઉદ્યોગો(એમએસએમઇ)ની ગુજરાતમાં અવગણના કરવામાં આવે છે, જેનું ઉદાહરણ વડોદરા નજીક પોર નેશનલ હાઇવે ઉપર આવેલા ૧,૦૦૦ થી વધુ ઉદ્યોગો છે. આ વિસ્તારમાં છેલ્લા ૮ વર્ષથી મધ્ય ગુજરાત વીજ કંપની રીતસર ત્રાસ ગુજારી રહી છે. દિવસમાં ચાર થી પાંચ વખત લાઇટો ડૂલ થઇ જતી હોવાથી આ વિસ્તારના ઉદ્યોગોને વર્ષે કરોડો રૃપિયાનું નુકસાન જઇ રહ્યું છે. ઉદ્યોગ સંચાલકો રજૂઆતો કરી કરીને થાક્યા, પણ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.
દેશના આર્થિક વિકાસમાં મહત્તમ ફાળો આપતા લઘુ ઉદ્યોગોને ફટકો
૨૦૦થી વધુ ઉદ્યોગ સંચાલકોએ કરેલી રજૂઆત પ્રમાણે ૮ વર્ષથી આ વિસ્તારમાં રોજ ચારથી પાંચ વખત લાઇટો જાય છે. દર વખતે સરેરાશ અડધો કલાક લાઇટો ડૂલ રહે છે એટલે કે રોજ અઢી થી ત્રણ કલાક લાઇટનો કાપ હોય છે. તેની ગણતરી કરીએ તો મહિને ૯૦ કલાકનો કાપ થયો એટલે કે એક મહિનામાં ચાર દિવસ લાઇટો જ નથી હોતી. એક દિવસનું એક લાખનું નુકસાન ગણો તો પણ મહિને ચાર લાખનું અને વર્ષે રૃ.૪૮ લાખનું નુકસાન એક ઉદ્યોગને થાય છે. ૧,૦૦૦ ઉદ્યોગોની ગણતરી કરીએ તો વર્ષે રૃ.૪૮૦ કરોડનો ફટકો લાઇટના અભાવે આ ઉદ્યોગોને પડી રહ્યો છે, જેના પગલે અનેક ઉદ્યોગો બંધ પણ થઇ ગયા છે.