ગીરવે મુકેલા દાગીના નકલી નીકળ્યા વેપારી સાથે અઢી લાખની છેતરપિંડી

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ગીરવે મુકેલા દાગીના નકલી નીકળ્યા વેપારી સાથે અઢી લાખની છેતરપિંડી 1 - image


ડેરી પાર્લરમાં આવતા ગ્રાહકે ચૂનો લગાવી દીધો

દસ દિવસ બાદ દાગીના છોડાવવા નહીં આવતા સોનીને બતાવતા નકલી હોવાનું બહાર આવ્યું : અડાલજ પોલીસની તપાસ

ગાંધીનગર :  અમદાવાદમાં આયોજન નગર પાસે ડેરી પાર્લર ચલાવતા વેપારીને તેના ગ્રાહકે વિશ્વાસ કેળવીને દાગીના ગીરવે મૂકી અઢી લાખ રૃપિયા મેળવી લીધા હતા. જો કે આ દાગીના નકલી હોવાનું બહાર આવતા અડાલજ પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના એસ.પી.રીંગ રોડ આયોજન નગરની સામે માત્રુવાટીકા સોસાયટીમાં રહેતો સંતોષ લાલચંદભાઈ જયસ્વાલ વટવા જી.આઈ.ડી.સી માં ખાનગી નોકરીની સાથે શાલીન હાઇટ-૩ ફ્લેટમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર ભાડાની દુકાનમા સ્વીટ એન્ડ ડેરી પાર્લર પણ ધરાવે છે. આ પાર્લર ઉપર તેના પત્ની દિવસે બેસે છે. જ્યારે નોકરી પૂર્ણ કર્યા પછી સંતોષ પાર્લર ઉપર સાંજના સમયે બેસતો હોય છે. આ પાર્લર ઉપર છેલ્લા ઘણા વખતથી નિયમિત રીતે મારવાડી ભાઈ નામનો ઈસમ ખરીદી કરવા આવતો જતો હોવાથી સંતોષની ઓળખાણ થઈ હતી.

જેણે પચ્ચીસેક દિવસ અગાઉ સંતોષ પાસે રૃ. ૨.૫૦ લાખ હાથ ઉછીના માંગ્યા હતા પરંતુ સંતોષ પાસે પૈસાની સગવડ નહીં હોવાથી તેણે ના પાડી દીધી હતી.ત્યારે ૧૫ મી ઓગસ્ટનાં રોજ મારવાડી નામના ઈસમે ફોન કરીને કહ્યું હતું કે કે, મારે રૃપિયાની જરૃર છે અને મારી માતાના સોનાના દાગીના લઈને અડાલજ બાલાપીર સર્કલ પાસે આવ્યો છું. જેથી સંતોષ ૨.૫૦ લાખ લઈને પત્ની અંજલિ સાથે બાલાપીર સર્કલ ગયો હતો. જ્યાં મારવાડી ઈસમે એક મહિલાની ઓળખ પોતાની માતા તરીકે આપી હતી.બાદમાં તેણે થેલીમાં સોનાના દાગીના હોવાનું જણાવી સંતોષને આપી હતી. એ વખતે સંતોષએ થેલી ચેક કર્યા વિના પત્નીને આપી દઈ રૃપિયા મારવાડી નામના ઈસમને આપી દીધા હતા. જો કે વાયદા મુજબ તે દાગીના છોડાવવા નહીં જતાં સંતોષ દાગીના લઈને જવેલર્સ પાસે ગયો હતો જ્યાં તપાસ કરાવતા આ દાગીના નકલી હોવાનું બહાર આવ્યું હતું. જેથી અડાલજ પોલીસ મથકમાં મારવાડી નામના ઈસમ સામે ફરિયાદ કરી હતી.


Google NewsGoogle News