ફરસાણના વેપારીને છરી બતાવી ગલ્લામાંથી રોકડા લૂંટી લેનાર બે આરોપીઓ ઝડપાયા
તારે ધંધો કરવો હોય તો બૂમાબૂમ કર્યા વગર રહેજે, નહીંતર ધંધો કરવા દઉં નહીં
વડોદરા,ફરસાણના વેપારીની દુકાનમાં ધસી જઇ છરી બતાવી ધમકાવી ગલ્લામાંથી રોકડા રૃપિયા લૂંટી જનાર બે આરોપીઓને બાપોદ પોલીસે ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ન્યૂ વી.આઇ.પી.રોડ અંબિકા નગરમાં રહેતા ડુંગારામ વાલારામ પ્રજાપતિ ખોડિયાર નગર સાંઇનાથ નગર પાસે ગજાનંદ ફરસાણ નામની દુકાન ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે આઠ વાગ્યે રાબેતા મુજબ મેં દુકાન ખોલી હતી. હું અને મારો સગો ભાઇ દુકાને હાજર હતા. તે દરમિયાન બે વ્યક્તિઓ મારી દુકાને મોપેડ લઇને આવ્યા હતા. તે પૈકી એક આરોપીએ મારી પાસે આવીને છરી બતાવી ધમકી આપી હતી કે, તારા ગલ્લામાં જેટલા પણ રૃપિયા છે, તે તું મને બૂમાબૂમ કર્યા વગર આપી દે. જેથી, હું તથા મારો નાનો ભાઇ ગભરાઇ ગયા હતા. છરી લઇને ધસી આવેલા આરોપીને તેના સાગરિતે કહ્યું કે, જાફરિયા તું જલ્દી સે ગલ્લે મેસે રૃપિયા નિકાલ કોઇ આ જાયેગા. છરી સાથે ધસી આવેલા આરોપીએ તેના સાગરિતને કહ્યું કે, મોહસીનીયા તું શાંતિ રખ. અપના કુછ કોઇ બિગાડ નહી લેગા. ઔર જા બી બીચમેં આયેગા મેં ઉસકો દેખ લૂંગા.
ત્યારબાદ જાફરે મારા ગલ્લામાંથી ૧,૫૪૦ રૃપિયા કાઢી લીધા હતા. બંનેએ મને તથા મારા નાના ભાઇને ગાળો બોલી ધમકી આપી હતી કે, તારે ધંધો કરવો હોય તો શાંતિથી બૂમાબૂમ કર્યા વગર રહેજે. નહીંતર આ એરિયામાં ધંધો નહીં કરવા દઉં. મેં મોપેડનો નંબર જોઇ લીધો હતો. તેઓના ગયા પછી મેં બૂમાબૂમ કરતા આજુબાજુના વેપારીઓ ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ મને ખબર પડી હતી કે, એક આરોપીનું નામ જાફર આરિફભાઇ ઘાંચી ( રહે. સરદાર એસ્ટેટ પાસે, શના કોમ્પલેક્સ) તથા મોહસીન સફીભાઇ શેખ ( રહે. એકતા નગર, આજવા રોડ) છે.
જાફર ૧૫ દિવસ પહેલા જ પાસામાંથી છૂટયો છે
વડોદરા,જાફર અને તેના સાગરિતો અગાઉ આજવા રોડ પર ફ્રૂટની લારી લઇને ઉભા રહેતા વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાના ગુનામાં પકડાયા હતા. જાફર અને તેના સાગરિતો સામે એક થી વધુ ગુનાઓ દાખલ થતા તેઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જાફર ૧૫ દિવસ પહેલા જ પાસામાંથી બહાર આવ્યો છે. બહાર આવ્યા પછી તેણે ફરીથી ખંડણી ઉઘરાવવાનું શરૃ કરી દીધુું હતું.