એપાર્ટમેન્ટના દાદર નીચે દારૃ રાખીને વેચતા બે આરોપી ઝડપાયા
લિસ્ટેડ બૂટલેગરો કેસથી બચવા માટે સંબંધીને આગળ રાખીને દારૃ વેચી રહ્યા છે
વડોદરા,વારસિયા વિસ્તારમાં ફરીથી બૂટલેગરો સક્રિય થયા છે. પોલીસે વારસિયા શિવધારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રેડ પાડીને દારૃ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસને માહિતી મળી હતી કે, વારસિયા શિવધારા એપાર્ટમેન્ટના સી ટાવરના પાર્કિંગમાં દારૃનું વેચાણ થાય છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા મોપેડ સાથે (૧) ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઇ નામાની ( રહે. સંતકંવર કોલોની, વારસિયા) તથા (૨) ચિંતન નિલેશભાઇ રાણા ( રહે. રાણાવાસ, પાણીગેટ) મળી આવ્યા હતા. મોપેડ તથા એપાર્ટમેન્ટના દાદર પાસેથી દારૃની બોટલ અને બિયરના ટીન કુલ૧૭૩ નંગ કિંમત રૃપિયા ૩૫,૦૪૫ નો દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીએ જણાવ્યું કે, હિમાંશુ ઉર્ફે હેરી રમેશભાઇ લુધવાણી પાસેથી દારૃ મંગાવ્યો હતો. દારૃનો જથ્થો હેરીનો માણસ રફિક દિવાન ( રહે. હાથીખાના) આપી ગયો હતો. જેથી, પોલીસે બંનેેને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વારસિયામાં અન્ય બૂટલેગરો પણ સક્રિય થઇ ગયા છે. નામચીન અને લિસ્ટેડ બૂટલેગરો હવે પોતાના સંબંધીને આગળ ધરીને દારૃનો ધંધો કરી રહ્યા હોવાની ચર્ચા વિસ્તારમાં થઇ રહી છે .