નવાપુરા અને વાઘોડિયા રોડ પર દારૃ વેચતા બે આરોપી ઝડપાયા
વિદેશી દારૃની ૪૯૯ બોટલ કબજે
વડોદરા,નવાપુરા અને વાઘોડિયા રોડ પર વિદેશી દારૃનો ધંધો કરતા બે આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી સવા લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો છે.
નવાપુરા કેવડાબાગની બાજુમાં આવેલ કેદારનાથ રેસિડેન્સીમાં ચોથા માળે રહેતો નયન રાકેશભાઇ કહાર પોતાના ઘરે વિદેશી દારૃ લાવીને વેચાણ કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા નયન કહાર મળી આવ્યો હતો. પોલીસે તેના ઘરેથી વિદેશી દારૃની ૨૦૪ બોટલ કિંમત રૃપિયા ૮૧,૬૦૦ ની કબજે કરી છે. મોબાઇલ ફોન સહિત પોલીસે ૧.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં પીસીબીને માહિતી મળી હતી કે, જૂના બાપોદ જકાતનાકા જય અંબે નગરની સામે માજીબા નગરમાં રહેતો અશોક ઉદયલાલ ખટીક વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા અશોક ખટીક ઝડપાઇ ગયો હતો. તેની સામે બે વર્ષ અગાઉ બાપોદમાં બે ગુના નોંધાયા હતા. પોલીસે દારૃની ૨૯૫ બોટલ કિંમત રૃપિયા ૪૫,૬૦૦ તથા મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૫૫,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.