નાગરવાડા પ્રકાશ નગરના મકાનમાં દારૃ રાખીને વેચતા બે આરોપી ઝડપાયા
નામચીન બૂટલેગર કમલ ઉર્ફે કમુનો કારમાં સંતાડેલો વિદેશી દારૃનો જથ્થો મળ્યો
વડોદરા,નાગરવાડા પ્રકાશ નગરમાં મકાનમાં વિદેશી દારૃ રાખીને વેચાણ કરતા બે આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે સયાજીપુરા પાસે દારૃ ભરેલી કાર છોડી દેનાર નામચીન બૂટલેગરનો દારૃનો જથ્થો પોલીસે કબજે કર્યો છે.જોકે, બૂટલેગર મળી આવ્યો નથી.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, નાગરવાડા પ્રકાશ નગરમાં રહેતા નિખીલ રાજુભાઇ કહારે પ્રકાશ નગર સાંઇબાબા મંદિર પાસે રહેતા હરિપ્રસાદ દિપકભાઇ કહારના મકાનમાં દારૃનો જથ્થો રાખ્યો છે અને તેનું વેચાણ કરી રહ્યો છે. જેથી, પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી. પ્રકાશ નગર પાસે નિખીલ મળી આવ્યો હતો. તેને સાથે રાખી હરિપ્રસાદના ઘરે તપાસ કરતા હરિપ્રસાદ મળી આવ્યો હતો. તેના ઘરમાંથી વિદેશી દારૃની ૩૬ બોટલ કિંમત રૃપિયા ૧૪,૪૦૦ ની મળી આવી હતી. પોલીસે તેઓને પૂછતા જણાવ્યું હતું કે, ફતેગંજ વિસ્તારમાંથી પ્રિતમ ભીલવાડા પાસેથી લાવ્યો હતો. જેથી, પોલીસે પ્રિતમને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસને માહિતી મળી હતી કે, કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણી ( રહે.માધવ નગર, સિકંદરપુરા પાસે) કારમાં વિદેશી દારૃ લઇને આવ્યો છે. તેણે પોતાની કાર સયાજીપુરા શિવાશિષ પાર્ટી પ્લોટ તથા સન એવન્યુ એપાર્ટમેન્ટની વચ્ચે ગલીમાં સાઇડમાં પાર્ક કરી મૂકી રાખી છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કાર મળી આવી હતી. કારની આજુબાજુ કોઇ મળી આવ્યું નહતું. પોલીસે કારમાંથી વિદેશી દારૃની બોટલો તથા બિયરના ટીન મળી કુલ ૫૧૬ નંગ કિંમત રૃપિયા ૭૩,૬૮૦ નો દારૃનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૃ તથા કાર મળી કુલ ૧.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બૂટલેગર કમલ ઉર્ફે કમુને વોન્ટેડ જાહેર કર્યો છે. કમલ ઉર્ફે કમુ છેલ્લા ૧૫ વર્ષથી દારૃનો ધંધો કરે છે. તેની સામે ૧૫ વર્ષમાં ૨૯ ગુનાઓ દાખલ થયા છે.