ગોવાથી દારૃ ભરીને જૂનાગઢ લઇ જતા બે આરોપી હાઇવે પરથી ઝડપાયા
આજવા ચોકડી પાસે વિદેશી દારૃ લઇને ઉભેલો આરોપી પકડાયો
વડોદરા,ગોવાથી કારમાં વિદેશી દારૃ લઇને જૂનાગઢ લઇ જતા બે આરોપીઓને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે હાઇવે પર કપુરાઇ બ્રિજ નજીકથી ઝડપી પાડી એક લાખના દારૃ સહિત ૪.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આજવા ચોકડી પાસે દારૃ લઇને ઉભેલા મધ્યપ્રદેશના આરોપીને બાપોદ પોલીસે ઝડપી પાડયો છે.
બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, આજવા ચોકડી પાસે એક શખ્સ દારૃ લઇને ઉભો છે. જેથી, પી.આઇ. એમ.આર.સંગાડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા નિલેશ વિનસિંગ કનેશ (રહે. ગામ ભોપાલીયા, જીરી ફળિયું, તા. સેંડવા, જિ. અલીરાજપુર, મધ્ય પ્રદેશ) મળી આવ્યો હતો. તેની પાસેના થેલામાંથી પોલીસે વિદેશી દારૃની ૩૩૬ બોટલ કિંમત રૃપિયા ૩૩,૬૦૦ ની કબજે કરી હતી. આરોપી ક્યાંથી, કોની પાસેથી દારૃ લાવ્યો હતો ? અગાઉ કેટલી વખત આ રીતે દારૃ લઇને આવ્યો છે ? દારૃ કોને આપવાનો હતો ? તે અંગે બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે હાઇવે કપુરાઇ બ્રિજના છેડે સુરતથી અમદાવાદ જતા રોડ પરથી એક કારને શંકાસ્પદ હાલતમાં રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૃની ૫૭૧ બોટલ કિંમત રૃપિયા ૧.૦૪ લાખની મળી આવી હતી. પોલીસે બે આરોપી પરમાર શાહરૃખ ઇશ્વરભાઇ ( રહે. મન્નત નારાયણ નગર,જોશીપુરા, જૂનાગઢ) તથા પરમાર યાસીન રફિકભાઇ (રહે. યમુના નગર, જૂનાગઢ)ને ઝડપી પાડયા હતા. શાહરૃખ દારૃ લાવ્યો હતો. જ્યારે યાસીન તેનો ભાગીદાર છે. ગોવાથી દારૃ મોકલનાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે દારૃ, કાર અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૪.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.