નીટ ચોરી પ્રકરણમાં બે આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર
લુણાવાડાની એક શાળા અને દુકાનદારે એજન્ટી ભૂમિકા ભજવી હોવાની ચર્ચા
ગોધરા.નીટ ચોરી પ્રકરણમાં પકડાયેલા બે પૈકી એક આરોપીના રિમાન્ડ વધારવા જ્યારે બીજા આરોપીના રિમાન્ડ મેળવવા મોડી સાંજે કોર્ટમાં રજૂ કર્યા હતા.જેની કોર્ટ રૃમમાં મોડે સુધી સુનાવણી ચાલી હતી. કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
નીટ ચોરી પ્રકરણમાં તપાસ અધિકારીએ અગાઉ પરશુરામ રોયની ધરપકડ કરી તેના કોર્ટમાંથી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જે આજે પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો.પરશુરામ રોય પાસેથી મળેલ માહિતી બાદ વધુ એક આરોપી વિભોર આનંદને બિહારથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ગઈકાલે તેની ધરપકડ કરી હતી.જેને આજે રિમાન્ડ મેળવવા અર્થે તેમજ પરશુરામ રોયના વધુ રિમાન્ડ મેળવવા બંને આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં કોર્ટ સમક્ષ તપાસ અધિકારીએ વિભોર આનંદના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જ્યારે પરશુરામ રોયને વધુ ૫ાંચ દિવસ રિમાન્ડ ઉપર સોંપવા માંગણી કરાઈ હતી.કોર્ટ દ્વારા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની રજૂઆતો ધ્યાને લઇ પરશુરામ રોયના ૩ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે વિભોર આનંદના પણ ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
નીટ ચોરીના બહાર આવેલા ચોરી પ્રકરણમાં લુણાવડાની શાળાના એક સંચાલક અને એક દુકાનદારે પણ દલાલની ભૂમિકા ભજવી છે તેવું ચર્ચાઈ રહ્યું છે.ગયા વર્ષે આ શાળા સંચાલકે તેમજ દુકાનદારે લુણાવડામાંથી કેટલાક પરીક્ષાર્થીઓને નીટની પરીક્ષા પાસ કરાવવા માટે વાલીઓ પાસેથી મોટી રકમનું ઉઘરાણું કરી આપેલ હતું.નીટ ચોરી પ્રકરણમાં આગામી દિવસોમાં તપાસનો રેલો લુણાવાડા શાળા સંચાલક અને દુકાનદાર સુધી પહોંચશે તેવી શક્યતા છે.