ઇન્વેસ્ટમેન્ટના નામે બેન્ક મેનેજર પાસે 18 લાખ ઠગી લેનાર ગેંગના રાજકોટના બે સાગરીત પકડાયા
વડોદરાઃ શેરમાર્કેટમાં રોજનું ૧૦ થી ૧૨ ટકા રિટર્નની લોભામણી વાતોમાં ખાનગી બેન્કના મેનેજરને ફસાવી ૧૮.૯૨ લાખની ઠગાઇ કરવાના બનાવમાં સાયબર સેલે રાજકોટના બે સાગરીતોને ઝડપી પાડયા છે.
કારેલીબાગની કિર્તીકુંજ સોસાયટીમાં રહેતા ભાર્ગવભાઇ પટેલ ઇન્વેસ્ટમેન્ટના એક ગુ્રપમાં જોઇન થતાં ઠગોએ એક લિન્ક આપી એકાઉન્ટ ખોલી આપ્યું હતું.શરૃઆતમાં રૃ.૧૦ હજારના ઇન્વેસ્ટમેન્ટ પર ૧૦ થી ૧૨ ટકાનું રિટર્ન મળતાં બેન્ક મેનેજરે તેમાં રૃ.૫૦ હજાર ઉમેર્યા હતા.જેથી રૃ.૬૦ હજારના રોકાણ સામે તેમના એકાઉન્ટમાં પ્રોફિટ સાથે ૧.૪૮ લાખનું બેલેન્સ દેખાતું હતું.ઠગોએ કેવાયસી કરાવી આઇપીઓ પણ ભરાવ્યો હતો અને એલોટમેન્ટના નામે તેમજ અન્ય રીતે કુલ રૃ.૧૮.૯૨ લાખ પડાવી લીધા હતા.
ભાર્ગવ ભાઇને રૃ.૬૯.૧૧ લાખ બેલેન્સ દેખાતું હતું.પરંતુ આ રકમ ઉપાડવા માટે ઠગો ટેક્સ અને બીજા બહાના બતાવી રૃપિયા માંગતા હોવાથી તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરતાં પીઆઇ બીએન પટેલ અને ટીમે આ બનાવમાં ઉંડાણપૂર્વક તપાસ કરી હતી.
જે દરમિયાન રૃપિયા રાજકોટની બેન્કના એકાઉન્ટમાં રૃ.૧૫.૦૯ લાખ ટ્રાન્સફર થયા હોવાનું જણાઇ આવતાં પોલીસે તપાસ કરી ત્રણ એકાઉન્ટ ધરાવતા દિપસિંહ યોગેશભાઇ રાઠોડ(કૃષ્ણનગર,રાજકોટ) અને ઠગો સાથે તેમનો સંપર્ક કરાવી ઠગો માટે એકાઉન્ટ હોલ્ડરોને શોધવાનું અને બીજી પ્રોસેસનું કામ કરતા કેફેના સંચાલક નિલિકકુમાર વિમલભાઇ ગાંધી(સંતોષનગર,રાજકોટ)ને ઝડપી પાડયા છે.બંનેના એક દિવસના રિમાન્ડ પુરા થતાં કોર્ટે જ્યુ.કસ્ટડીમાં મોકલીઆપ્યા છે.