ફતેગંજ બ્રિજ નીચે કારમાં ૧૨.૪૦ લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા

ત્રણ મહિનાથી મુંબઇથી ડ્રગ્સ લાવીને વડોદરામાં વેચતા હતા : બંને આરોપીઓનું મૂળ વતન મહેસાણા

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
ફતેગંજ બ્રિજ નીચે કારમાં ૧૨.૪૦ લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા 1 - image

વડોદરા,ફતેગંજ વિસ્તારમાં સદર બજાર બ્રિજ નીચે એમ.ડી. ડ્રગ્સનો ૧૨.૪૦ લાખનું એમ.ડી.ડ્રગ્સ લઇને ઉભેલા બે આરોપીઓને એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ ત્રણ મહિનાથી મુંબઇથી ડ્રગ્સ લાવીને વડોદરામાં વેચતા હોવાની વિગતો સપાટી  પર આવી છે. 

એસ.ઓ.જી.  પોલીસને માહિતી મળી હતી કે,ફતેગંજ સદર બજારમાં રહેતો જીતેન્દ્ર અમૃતલાલ પરમાર તથા તેનો મિત્ર અસલમમીંયા રસુલમીંયા સૈયદ માદક પદાર્થનો જથ્થો લઇને ફતેગંજ સદર બજાર બ્રિજ નીચે કાર લઇને પાર્કિંગમાં બેઠા છે. જેથી,  પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇ રેડ કરતા અસલમ ( રહે. ભોખર ગામ, ઉગામવાડીવાસ, મોતી મસ્જીદ પાછળ, ઉંઝા, જિ. મહેસાણા) તથા જીતેન્દ્ર (રહે. મોદી ડેરીની ઉપર, સદર બજાર,ફતેગંજ મૂળ રહે. ખોખરવાડો, ખેરાલુ,જિ.મહેસાણા) મળી આવ્યા હતા. પોલીસે તેઓની પાસેથી મેફેડોન (એમ.ડી.)ડ્રગ્સ ૧૨૪.૦૯ ગ્રામ કિંમત રૃપિયા ૧૨.૪૦ લાખનું કબજે કર્યુ હતું. પોલીસે ડ્રગ્સ, બે મોબાઇલ ફોન, ડિઝિટલ વજન કાંટો તથા રોકડા ૧,૮૫૦ મળી કુલ રૃપિયા ૧૫.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અસલમ સામે અગાઉ કડી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુના નોંધાયા છે. જ્યારે જીતેન્દ્ર સામે કડીમાં જુગાર, વલસાડમાં ચોરી તથા અમદાવાદમાં જુગારના કેસ નોંધાયા છે.  તેની સામે અલગ - અલગ સ્થળે મળીને કુલ ૨૫ ગુનાઓ દાખલ થયા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, બંને આરોપીઓ મુંબઇથી ડ્રગ્સ લાવ્યા હતા. તેમજ ફતેગંજ બ્રિજ નીચે કાર પાર્ક કરીને બેઠા હતા. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી આ ધંધામાં સંકળાયેલા છે. તેમજ સીધા  ગ્રાહકોના સંપર્કમાં છે. તેઓ કેટલા લોકોને ડ્રગ્સ આપતા હતા તેમજ મુંબઇમાં કોની પાસેથી લાવતા હતા. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


કારમાં જ વજન કરીને ગ્રાહકોને ડ્રગ્સ આપતા હતા

વડોદરા,આરોપીઓ કારમાં જ એમ.ડી.ડ્રગ્સનું વેચાણ કરતા હતા. તેઓ કારમાં માઇક્રો  વજન કાંટો પણ રાખતા હતા. જેથી, કોઇ ગ્રાહક પાંચ ગ્રામ ડ્રગ્સ માંગે તો તરત જ વજન કરીને પ્લાસ્ટિકની બેગમાં ભરીને આપી દેતા હતા.  ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આરોપીઓ કારમાં જ માદક પદાર્થની દુકાન શરૃ કરી દીધી હતી. આરોપીઓ પોતે જ ડ્રગ્સ લાવીને વેચાણ કરતા હતા. જે કારમાં બેસીને ડ્રગ્સનો ધંધો આરોપીઓ કરતા હતા. તે કારના માલિકની  પણ શોધખોળ પોલીસે હાથ ધરી છે.


Google NewsGoogle News