વેપારીના સ્કૂટરની ડિકિમાંથી રૃ.3 લાખ ચોરનાર બે ગઠિયા પકડાયા,રૃ.1.22 લાખ જ મળ્યા
વડોદરાઃ વેપારીના સ્કૂટરની ડિકિમાંથી રોકડા રૃ.૩ લાખ ચોરાઇ જવાના બનેલા બનાવમાં પોલીસે બે આરોપીને ઝડપી પાડી રિમાન્ડની તજવીજ કરી છે.
મંગળબજારમાં કાપડનો ધંધો કરતા નઇમભાઇ શેખે(હમજા એપાર્ટમેન્ટ,વાડી જમનાબાઇ હોસ્પિટલ પાસે)ગઇ તા.૫મીએ વેપારીને આપવાના રૃ.૩ લાખ રોકડા સ્કૂટરની ડિકિમાં મૂક્યા હતા.સાંજે તેઓ તાંદલજાના તાઇફનગરમાં બાર્બરશોપમાં ગયા હતા અને ત્યાંથી પેટ્રોલપંપ પર ગયા ત્યારે સ્કૂટરની ડિકિમાંથી રૃપિયા ચોરાઇ ગયા હોવાનું જણાયું હતું.
જે પી રોડ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ કરી હતી.જે દરમિયાન રાવપુરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસેથી વસિમખાન યુસુફખાન પઠાણ(કાસમઆલા કબ્રસ્તાન પાસે,ભૂતડીઝાંપા પેટ્રોલપંપ પાછળ) અને મો.હુસેન ઉર્ફે કાલુ અરશદભાઇ મિરઝા (ફતેપુરા,ભાંડવાડા)ને તપાસતાં તેમની પાસેથી રોકડા રૃ.૧.૨૨ લાખ મળી આવ્યા હતા.બંને જણાએ સ્કૂટરની ડિકિમાંથી ચોરી કર્યાની કબૂલાત કરતાં બાકીની રકમ કબજે કરવા રિમાન્ડ માટે તજવીજ કરાઇ છે.